કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હાઈકમાન્ડ સાથે ચર્ચા ચાલુ, બાપુએ કહ્યું, વાત સાચી છે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.29
: ગુજરાતના રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરાસિંહ વાઘેલાને લઈને મોટી રાજકીય હલચલ
જોવા મળી છે. શંકરાસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી ચર્ચા વચ્ચે ગુજરાત
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે આ મુદ્દે
વાતચીત ચાલી રહી છે. જોકે, કોંગ્રેસમાં તેમના સત્તાવાર પુનરાગમન અંગે હજુ કોઈ અંતિમ
જાહેરાત થઈ નથી પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડની લીલીઝંડી બાદ શંકરાસિંહના જોડાવાનો લઈને
નિર્ણય લેવામાં આવશે. શંકરાસિંહ પ્રથમ નવરાત્રીએ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાય તેવી વકી દર્શાવાઇ રહી છે. ગુજરાત
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરાસિંહના કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના મુદ્દા
અંગે જણાવ્યું હતું કે, ‘દેશમાં માહોલ બદલાઈ રહ્યો છે અને તાનાશાહોને ખતમ કરવાના કોંગ્રેસના
અભિયાનમાં જે પણ જોડાવા માગે તેનું સ્વાગત છે. શંકરાસિંહ પણ ઘણા સમયથી ભાજપનો વિરોધ
કરતા રહ્યા છે અને કોંગ્રેસની વિચારધારા જોડાઈને જે પણ લોકો લડાઈ લડવા માગે તેમનું
અમે સ્વાગત કરીએ છીએ.’ ચાવડાના જણાવ્યા અનુસાર શંકરાસિંહ વાઘેલા સહિત અનેક નેતાઓ અને
લોકો સાથે કોંગ્રેસમાં જોડાવા અંગે ચર્ચા ચાલી રહી છે.
ઉલ્લેખનીય
છે કે, ગુજરાતના રાજકારણમાં શંકરાસિંહ વાઘેલાનું નામ ખૂબ નિપુણ અને અનુભવી નેતા તરીકે
લેવાય છે. તેઓ અૉક્ટોબર 1996થી અૉક્ટરોબર 1997 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા
છે. 1995માં ભાજપથી અલગ થયા બાદ તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી હતી અને કોંગ્રેસના
સમર્થનથી ગુજરાતમાં સરકાર બનાવી હતી. બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. વાઘેલા લોકસભા
સાંસદ અને કેન્દ્રીય કાપડ મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. 2017માં કોંગ્રેસ
છોડ્યા બાદ તેમની રાજકીય સફર અલગ-અલગ રાજકીય સંગઠનો અને પક્ષો સાથે આગળ વધી હતી.
વાઘેલાએ
2017માં કોંગ્રેસ છોડ્યા બાદ જન વિકલ્પ મોરચાની રચના કરી હતી. ત્યારબાદ 2019માં તેઓ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને રાષ્ટ્રીય મહામંત્રી બન્યા હતા. 2020માં
તેમણે એનસીપીમાંથી રાજીનામું આપ્યું હતું. નવેમ્બર 2024માં શંકરાસિંહ વાઘેલાએ પ્રજા
શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી હતી. આ પાર્ટીને લઈને તેમણે ગુજરાતના રાજકારણમાં
અલગ રાજકીય વિકલ્પ ઊભો કરવાની વાત કરી હતી.
રાજકીય
નિષ્ણાતો શું કહે છે ?
રાજકીય
નિષ્ણાતોના જણાવ્યાનુસાર જો તેઓ કોંગ્રેસમાં પરત ફરે છે તો ખાસ કરીને 2027ની વિધાનસભા
ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આ ઘટનાક્રમને મહત્વપૂર્ણ માની શકાય તેમ છે. તેમના જેવા પીઢ,
દિર્ઘદ્રષ્ટા અને લડાયક નેતા જો કોંગ્રેસમાં આવે તો સમગ્ર સંગઠનમાં નવા ઉત્સાહનો સંચાર
થશે, ભાજપ સામે વિપક્ષ મોરચો વધુ આક્રમક બનશે અને પક્ષને માત્ર ઉત્તર ગુજરાતમાં જ નહીં
પરંતુ સમગ્ર રાજ્યમાં રાજકીય રીતે મોટો ફાયદો થઈ શકે તેમ છે.