• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

રાજકોટ : યૂથ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો ઇનિંગ્સ, 48 રને વિજય

            લક્ષ્ય રાયચંદાણીની 240 રનની વિસ્ફોટક ઇનિંગ્સ; યશવર્ધન ચૌહાણ અને ઈશાન ઓમની ઘાતક બાલિંગ

રાજકોટ, તા.29 : રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને અૉસ્ટ્રેલિયા અંડર-19 વચ્ચેની પ્રથમ યૂથ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન દાખવતા પ્રવાસી કાંગારુ ટીમને એક ઇનિંગ્સ અને 48 રનથી પરાજય આપ્યો છે. ભારતના જંગી સ્કોરના દબાણ હેઠળ અૉસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 229 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 494 રનનો વિશાળ સ્કોર બનાવીને મેચ પર સંપૂર્ણ પકડ જમાવી લીધી હતી. આ ઇનિંગ્સનો મુખ્ય હીરો યુવા બેટર લક્ષ્ય રાયચંદાણી રહ્યો હતો. તેણે કાંગારુ બોલર્સની લાઇન-લેન્થ વેરવિખેર કરતાં 240 રનની યાદગાર મેરેથોન ઇનિંગ્સ રમી હતી. તેને બીજા છેડેથી મોહિત ઉલ્વાએ 92 રનની મક્કમ ઇનિંગ્સ રમી મજબૂત ટેકો આપ્યો હતો. મેચની દિશા નક્કી કરી દેનારી આ ઇનિંગ્સ બદલ લક્ષ્ય રાયચંદાણીને ‘પ્લેયર અૉફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રથમ ઇનિંગ્સની જંગી સરસાઈ સામે બીજી ઇનિંગ્સમાં બાટિંગ કરવા ઉતરેલી અૉસ્ટ્રેલિયન ટીમ ભારતીય બાલિંગ આક્રમણ સામે લાચાર સાબિત થઈ હતી. યશવર્ધન ચૌહાણે બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ ઝડપી કાંગારુ બાટિંગ લાઇન-અપની કમર તોડી નાખી હતી. બીજી તરફ ઈશાન ઓમે પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપ્યા બાદ બીજી ઇનિંગ્સમાં પણ પોતાની લય જાળવી રાખી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે મેચમાં કુલ 9 વિકેટ પોતાના નામે કરી હતી.

અૉસ્ટ્રેલિયા માટે આ કારમા પરાજય વચ્ચે એકમાત્ર સકારાત્મક પાસું બેટર બ્લેક કેટલનું લડાયક પ્રદર્શન રહ્યું હતું. કેટલે બંને ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારીને એક છેડો સાચવી રાખ્યો હતો. જોકે, અન્ય કોઈપણ બેટર તેને સાથ આપી શક્યો નહોતો અને આખી ટીમ 229 રને સમેટાઈ ગઈ હતી. આ શાનદાર વિજય સાથે ભારતીય ઞ-19 ટીમે મલ્ટી-ડે શ્રેણીમાં 1-0ની મજબૂત લીડ મેળવી લીધી છે. હવે આ શ્રેણીનો બીજો અને આખરી મુકાબલો 5 અૉક્ટોબરથી અમદાવાદ ખાતે રમાશે.

ઇ-પેપરના નવા શુલ્ક