સુપ્રીમનો સરકારને વેધક સવાલ ઃ સમાન કિંમતના નિયમ જરૂરીઃ ખાનગી હોસ્પિટલો નફાખોરી કરે છે
નવી દિલ્હી, તા. 29 ઃ દવાઓની મનસ્વી અને બેફામ કિંમતોને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, દવાઓની એમ.આર.પી. એ છૂટક કિંમતથી 16 ટકાથી
વધુ શા માટે હોય છે? દરેક દવા પર મહત્તમ 16 ટકા માર્જિનની મર્યાદા શા માટે નિયત થતી નથી ? દવાઓ માટે અલગ -અલગ નિયમો શા માટે છે?
કેન્સરની દવાની રિટેલ કિંમત રૂા. 2700 અને એમ.આર.પી. રૂા. 27000 હોવાનું
ઉદાહરણ આપીને સર્વોચ્ચ અદાલતે પૂછ્યું હતું કે, જો દર્દી સરકારી યોજના હેઠળ સારવાર લઈ રહ્યો હોય તો આટલી વધુ કિંમતની ચૂકવણી કોણ કરે છે? તેનો બોજ તો સરકારી તિજોરી અને કરદાતાઓ પર જ આવે છે.
અદાલતે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલો ઈન્ડસ્ટ્રીની જેમ વર્તી રહી છે. તેઓ દર્દીઓને પોતાની ફાર્મસીની જ દવાઓ ખરીદવા માટે મજબૂર કરી રહી છે. કોર્ટે હોસ્પિટલોની નફાખોરી અને દવાઓની સમાન કિંમતોની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો.
કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત સોલિસીટર જનરલ તુષાર મહેતાએ માન્યું હતું કે, આ એક ગંભીર મુદ્દો છે, જેમાં દર્દીઓ, સરકાર અને ફાર્મા કંપનીઓના હિતોનું સંતુલન જળવાયેલું રહે તેવું સમાધાન જરૂરી છે.
અરજીકારે દલીલ કરી હતી કે, જે દવાઓની કિંમતો સરકાર નક્કી કરે છે તે બજારમાં બહુ ઓછી ઉપલબ્ધ હોય છે. જે દવાઓના ભાવ સરકાર નક્કી કરતી નથી તેવી 80 ટકા દવાઓ બજારમાં છે. ઘણી વાર તો એવું બને છે કે, ગરીબ દર્દીઓએ સારવાર માટે પોતાનું ઘર અને ઘરેણા પણ વેચી નાખવા પડે છે.