• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

લીંબુ ફરી ખાટા: છૂટક બજારમાં કિલોના રૂ. 300

અલનીનોની અસરથી અનિયમિત વરસાદને લીધે આવક ઘટી અને ગરમી પડતા માગમાં ઉછાળો નોંધાતા ભાવ ઉંચકાયા

રાજકોટ, તા.29: સામાન્ય રીતે ઉનાળામાં કાળઝાળ ગરમી પડતા લીંબુનો ઉપાડ વધતા ભાવમાં ઉછાળો નોંધાય છે. જોકે હાલમાં ચોમાસામાં અર્થાત સીઝનમાં ભાવ આસમાને પહોંચતા સામાન્ય વર્ગનું બજેટ ખોરવાયું છે. અલનીનોની અસરથી અનિયમિત વરસાદને લીધે લીંબુના ઉત્પાદન ઉપર અસર પડતા આવક ઘટી જતા અને બીજી તરફ ઉનાળા જેવી જ ગરમી પડવા લાગતા માગમાં ઉછાળો નોંધાતા ભાવમાં તેજી થઈ ગઈ છે. છૂટક બજારમાં લીંબુના ભાવ પ્રતિ કિલો રૂ. 300ને પાર પહોંચી ગયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં જથ્થાબંધ લીંબુનો ભાવ પ્રતિ કિલો એક મહિના પહેલા રૂ. 1050-2180 હતો. જે વધીને રૂ. 2029-3911 સુધી પહોંચી ગયો છે. દરમિયાન ગત તા. 26ના રૂ. 2458-4992 સુધી પહોંચી ગયો હતો. બીજી તરફ છૂટક બજારમાં લીંબુના ભાવ પ્રતિ કિલો રૂ. 300ને આંબી ગયો છે.

યાર્ડના સુત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ઉનાળામાં લીંબુની આવક સાવ ઘટી જતી હોય છે. અને ગરમીને લીધે ઉપાડ વધતા ભાવમાં ભારે તેજી થતી હોય છે. જોકે ચાલુ વર્ષે અલનીનોની અસરને પ્રથમ વરસાદ બાદ દોઢ મહિના સુધી વરસાદ ન પડતા લીંબુના પાકને અસર થઈ હતી. જેની અસરથી આવકમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ અત્યારે ભાદરવાના આકરા તાપ પડી રહ્યા છે. ઉનાળા જેવા અસહ્ય બફારા વચ્ચે લીંબુનો ઉપાડ વધ્યો છે. માગ સામે આવક અડધી થઈ જતા ભાવમાં વધારો થયો છે. હાલમાં લીંબુની સ્થાનિક આવક થઈ રહી છે. રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારો, ચોટીલા, મોરબી અને ભાવનગર તરફથી લીંબુની આવક થાય છે.

આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવાની હોવાથી લીંબુની માગમાં વધારો થવાની શક્યતા છે. વેપારીઓને મતે નજીકના સમયમાં ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી છે. દિવાળી સુધીમાં નવી આવક વધ્યા બાદ જ ભાવમાં ઘટાડો થશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક