• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સમાં કાલે ક્રિકેટમાં ભારત-શ્રીલંકા વચ્ચે સેમિફાઇનલ

પાકિસ્તાન-બાંગ્લાદેશ પણ રમશે : ચારેય ક્વાર્ટર ફાઇનલ મેચ વરસાદમાં ધોવાયા

નવી દિલ્હી, તા.29 : એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટ સ્પર્ધાની સેમિફાઇનલ લાઇનઅપ સત્તાવાર રીતે નક્કી થઈ ગઈ છે. જોકે, ક્રિકેટ ચાહકો માટે આ ટૂર્નામેન્ટ અત્યાર સુધી ભારે નિરાશાજનક સાબિત થઈ છે, કારણ કે સતત વરસાદના વિઘ્નને પગલે તમામ ચારેય ક્વાર્ટર ફાઇનલ મુકાબલા એકપણ બોલ ફેંકાયા વિના રદ કરવા પડયા છે. આમ છતાં, ટૂર્નામેન્ટના નિયમ અનુસાર આઈસીસી ટી20 રેન્કિંગમાં આગળ રહેલી ટીમોને સેમિફાઇનલમાં પ્રવેશ મળ્યો છે.

મંગળવારે બન્ને ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં પણ હવામાન વિલન બન્યું હતું. બાંગ્લાદેશ સામે મલેશિયા અને શ્રીલંકા સામે નેપાળનો મુકાબલો હતો, પરંતુ સતત વરસાદને કારણે ટોસ પણ શક્ય બન્યો નહોતો અને બંને મેચ રદ જાહેર કરવી પડી હતી. એશિયન ગેમ્સના નિયમ મુજબ નોકઆઉટ મેચ પરિણામ વિના ધોવાઈ જાય ત્યારે વૈશ્વિક રેન્કિંગમાં ઊંચું સ્થાન ધરાવતી ટીમ આગલા રાઉન્ડમાં પ્રવેશે છે. આ ગણતરીએ મલેશિયા કરતાં ચડિયાતી રેન્કિંગ ધરાવતું બાંગ્લાદેશ અને નેપાળની ટીમ કરતાં વધુ મજબૂત રેન્કિંગ ધરાવતું શ્રીલંકા સેમિફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું.

આ અગાઉ સોમવારે રમાનારી બંને ક્વાર્ટર ફાઇનલ મેચ પણ વરસાદની ભેટ ચઢી ગઈ હતી. ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે અને પાકિસ્તાનનો મુકાબલો હોંગકોંગ સામે નિર્ધારિત હતો. જોકે બંને મેચ રદ થતાં ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન બંને રેન્કિંગના આધારે સીધા અંતિમ-4માં પહોંચી ગયા હતા.

આ પરિણામો સાથે જ 1 ઓક્ટોબરના રોજ બે રોમાંચક સેમિફાઇનલ મુકાબલા રમાશે. પ્રથમ સેમિફાઇનલ ભારત વિરુદ્ધ શ્રીલંકાની છે. બીજી સેમિફાઇનલ પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશની છે. જો ભારત અને પાકિસ્તાન બંને પોતાની સેમિફાઇનલ મેચ જીતવામાં સફળ રહે છે, તો ગોલ્ડ મેડલ માટે ભારત-પાકિસ્તાન વચ્ચેનો હાઇ-વોલ્ટેજ મહામુકાબલો જોવા મળી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક