• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

ઇં-1ઇ વિઝા નિયમો પર ટ્રમ્પની તવાઈ !

સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ

વોશિંગ્ટન, તા. 28ઃ અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને એન્જિનીયરો માટે ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. અમેરિકી સરકાર એચ-1બી વિઝા નિયમોમાં અગાઉથી જ કડક વલણ અપનાવી રહી છે; વિઝા ફીમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે અને ઘણા પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હવે ટ્રમ્પ પ્રશાસન એચ-1બી વિઝા નિયમોને વધુ કડક બનાવવા અને સંભવતઃ આ પ્રોગ્રામને કાયમ માટે બંધ કે ધરમૂળથી બદલવાની તૈયારી કરી રહ્યું છે. છેતરાપિંડી આચરનારા એમ્પ્લોયર્સ સામે કાનૂની સકંજો કસીને કડક સજા તેમજ ‘હાથકડી તૈયાર છે’ની ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે.

અમેરિકી શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી’એસ્પોસિટોએ એક અમેરિકન કોમેન્ટેટર અને યુ-ટ્યુબરને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, વિઝાનાં નામે ગેરરીતિ આચરનારા અને બોગસ શેલ કંપનીઓ દ્વારા કૌભાંડ ચલાવનારા લોકો વિરુદ્ધ ફોજદારી ગુના નોંધીને ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. આગામી 365 દિવસની અંદર વિદેશી શ્રમ વિઝા વ્યવસ્થાનું સંપૂર્ણ સ્વરૂપ બદલાઈ જશે.

 સરકાર એચ-1બી વિઝા પ્રોગ્રામ સાથે જોડાયેલી છેતરાપિંડી, કર્મચારીઓનું શોષણ અને હ્યુમન ટ્રાફાકિંગ જેવા અતિ ગંભીર આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

એચ-1બી વિઝા પ્રોગ્રામમાં થતા કોઈપણ ફેરફારની સીધી અસર ભારતીયો પર પડે છે. અમેરિકી આઈટી કંપનીઓ, ટેક સેક્ટર અને કોર્પોરેટ જગતમાં કામ કરતા કુલ એચ-1બી વિઝાધારકોમાંથી 70 ટકાથી વધુ હિસ્સેદારી માત્ર ભારતીય પ્રોફેશનલ્સની છે. જો આ પ્રોગ્રામ બંધ કે અત્યંત મર્યાદિત થાય, તો હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ, યુએસમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અને ત્યાં જવાની તૈયારી કરી રહેલા યુવાનોની કરિયરને ભારે ફટકો પડશે. અમેરિકામાં અગાઉથી કાર્યરત ભારતીયો માટે વિઝા રિન્યૂઅલ અને ગ્રીનકાર્ડ મેળવવાની પ્રક્રિયામાં નવા મોટા અવરોધો ઊભા થશે.

વિદેશી કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતા આચરવા બદલ તપાસ એજન્સીઓએ મોટી કંપનીઓ સામે પણ કાર્યવાહી તેજ કરી છે. ફોજદારી તપાસના કારણે ટેક ક્ષેત્રની અગ્રણી કંપનીઓ કોગ્નિઝન્ટ અને ક્લાઉડેરા સાથે જોડાયેલી નવી એચ-1બી/પીઈઆરએમ અરજીઓ હાલ પૂરતી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. યુએસ શ્રમ વિભાગ અનુસાર, તપાસ અધિકારીઓએ ડઝનબંધ સમન્સ પાઠવ્યા છે અને અનેક શંકાસ્પદ સ્થળો પર સર્ચ વોરંટ સાથે દરોડા પાડ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક