આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં વરસાદી ઝાપટાંની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.29ઃ ગુજરાત રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંય વરસાદ નોંધાયો હતી. જેના પગલે રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી
સુધી નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના ડીસા અને કચ્છના નલિયામાંથી ચોમાસાની વાપસીની લાઇન પસાર થઈ ચૂકી છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી પણ ટૂંક સમયમાં વિદાયની રેખા પસાર થશે. ચોમાસાની વાપસીની આ પ્રક્રિયા વચ્ચે વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે, જેના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો ગરમી અને બફારાનો અનુભવ કરી રહ્યા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું છે કે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી. જોકે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફમાં ફેરવાઈ રહ્યું હોવાથી આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
આ સંભાવનાઓને પગલે આગામી દિવસોમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. રાજ્યમાં ચોમાસાની વાપસી વચ્ચે વિવિધ શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે, જેના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાનમાં આજના હવામાન પર નજર નાખતા જણાય છે કે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 35.5,
સુરેન્દ્રનગરમાં 35.4, બરોડામાં
35, સુરતમાં 33.8 તેમજ
અમદાવાદમાં 34.8 ડિગ્રી
નોંધાયું હતું.