• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

રાજકીય પાર્ટી ડોનેશન કૌભાંડમાં CID ક્રાઈમ ફોરેન્સિક તપાસ કરશે

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લેવાશે, બેન્ક અને આંગડિયાથી થયેલી નાણાંની હેરાફેરીની તપાસ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.28: ગુજરાતમાં બોગસ રાજકીય પક્ષોના નામે દાનની રકમ મેળવીને કરચોરીના વ્યાપક કૌભાંડનો સીઆઈડી ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. આ અંગે હવે સીઆઈડી ક્રાઈમ ધરપકડ કરાયેલા અને ફરાર તમામ આરોપીઓની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરશે. આવકવેરા વિભાગે નોંધાવેલી ચાર જેટલી ફરિયાદોમાં અમદાવાદ, ગાંધીનગર, ભરૂચમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા દાતાઓ પાસેથી દાનની માતબર રકમ સ્વીકારીને 5-9 ટકા કમિશનની રકમ કાપી લીધા બાદ બચેલી રકમ પરત કરવાનું કૌભાંડ ઉજાગર થયું હતું. રાજકીય પક્ષોએ આ પ્રકારે રૂ. 680 કરોડથી વધુની આવકવેરાની ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ હવે ફોરેન્સિક ઢબે તપાસ કરશે.

ગુજરાત સીઆઈડી ક્રાઈમના આર્થિક ગુના નિવારણ શાખાના પોલીસ અધ્યક્ષ રોહન આનંદે જણાવ્યું કે, વિતેલા ત્રણ દિવસમાં આવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા રાજ્યમાં રાજકીય પાર્ટીના નામે દાન મેળવીને આવકવેરાની મોટાપાયે ચોરી કરાયાની ચાર જેટલી ફરિયાદો મળી છે. 2022-23 આસપાસ આઈટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં જણાયું હતું કે, કેટલાક બોગસ રાજકીય પક્ષો જે રાજ્યમાં કોઈ સક્રિય રાજકીય પ્રવૃત્તિ ધરાવતા નથી તેમના દ્વારા અધધ રકમનું દાન મેળવવામાં આવ્યું હતું અને બાદમાં કમિશન કાપીને દાનની રકમ જે તે દાતાઓને પરત કરવામાં આવી હતી. આમ કુલ રૂ. 680 કરોડની કરચોરીનો ભાંડાફોડ આઈટી વિભાગ દ્વારા કરાયો હતો. આ સંદર્ભે આઈટી વિભાગે કરેલી કાર્યવાહીને પણ સીઆઈડી ક્રાઈમ દ્વારા ઓન રેકોર્ડ લેવામાં આવશે અને બાદમાં તેની ફોરેન્સિક તપાસ પણ કરાશે. 

આ કેસની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ મદદ લેવાશે તથા બેન્ક કે આંગડિયા સ્લીપો દ્વારા થયેલી રોકડની હેરાફેરીની પણ તપાસ કરી દોષિયો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આવી રાજકીય પાર્ટીઓને દાનની રકમ કોણે કોણે આપી હતી તેમની પણ તપાસ કરવામાં આવી શકે છે. આ ગુનામાં સંડોવાયેલા તમામ ભાગેડુ અને પકડાયેલા આરોપીઓની તપાસ તથા શોધખોળ ચાલી રહી છે. રાજકીય પાર્ટીઓએ આવકવેરા વિભાગની સાઈટ પર અપલોડ કરેલા ફરજી ઓડિટ રિપોર્ટ સહિતના દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ કરાશે તેમ સીઆઈડી ક્રાઈમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. 

 

ઇ-પેપરના નવા શુલ્ક