• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

આ વખતે નવરાત્રી પહેલા જ ગિર જંગલ સફારી શરૂ થઇ જશે

ચાલુ વર્ષે સિંહ દર્શન 13 દિવસ વહેલા, તા.3 ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 29:  સામાન્ય રીતે ગિર જંગલ સફારી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહે છે અને 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરી શરૂ થાય છે. પરંતુ આ વર્ષે સિંહ દર્શન 13 દિવસ વહેલા એટલે કે 3 ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે નવરાત્રી પહેલા જ ગિર જંગલ સફારી શરૂ થઇ જશે.

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આગામી નવરાત્રી પર્વ પહેલાં જ, એટલે કે 3 ઓક્ટોબરથી ગિર જંગલ સફારી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વન્યજીવોના પ્રજનન અને જંગલના સંરક્ષણ અર્થે ગિર અભયારણ્યમાં સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે પરંતુ આ વખતે વનમંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રથમ પ્રતિક્રિયા મુજબ, આંતરરાષ્ટ્રીય નિયમો અને નિયત ધોરણોનું કડક પાલન કરીને જ ગીર સફારી વહેલી શરૂ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં એશિયાટિક સિંહોનું જતન અને સંવર્ધન સમગ્ર વિશ્વમાં એક ઉત્કૃષ્ટ નમૂનારૂપ સાબિત થયું છે.

આ નિર્ણયથી આગામી તહેવારો અને નવરાત્રી દરમિયાન ગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ તથા વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પગલાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ, હોટેલ વ્યવસાય અને ગાઈડોને મોટો લાભ મળશે તથા વન્યજીવ સંરક્ષણ સાથે આર્થિક પ્રવૃત્તિઓને પણ બળ મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક