• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

રાહતરૂપ વરસાદ પણ શિયાળુ પાકની ચિંતા

વરસાદની મોટી ખાધથી શિયાળુ પાક લેવા મુશ્કેલ : સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિ કફોડી

રાજકોટ, તા. 22  (ફૂલછાબ ન્યૂઝ) : સપ્ટેમ્બરમાં ફરીથી સક્રિય થયેલા ચોમાસાને લીધે ખેતીનું બગડતું ચિત્ર થોડું સુધર્યું છે પરંતુ હજુ શિયાળુ પાક માટે પર્યાપ્ત પાણીની ખેંચ છે. ગુજરાતમાં સરેરાશ વરસાદની હજુ 12 ટકાની ખાધ છે. કચ્છમાં 42 ખાધ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 29 ખાધ રહી ગઇ છે. દક્ષિણ 13.80 ટકાની પુરાંત છે. જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 11 ટકાની ખાધ રહી ગઇ છે. હવે કદાચ પાછોતરો વરસાદ ખૂબ થાય તો પણ ખાધ હળવી થશે પણ પૂરાવાની નથી. શિયાળુ પાક માટે પાણીની ખેંચ પણ રહેવાની શક્યતા એકદમ વધી ગઇ છે.

2026ને બાદ કરતા પાછલા ત્રણ વર્ષમાં ગુજરાતમાં વરસાદ સરેરાશ 8થી 43 ટકા સુધી પુરાંત રહ્યો હતો પણ અત્યારે અત્યંત કપરી પરિસ્થિતિ છે.ખરીફ પાકને પાણીની જરુરિયાત હતી તેવા સમયે વરસાદ પડયો નથી. સપ્ટેમ્બરમાં વરસાદ પડયો ત્યારે હવે પાકને ફાયદો મળી શકે તેવી સ્થિતિ રહી નથી. મોટાંભાગના પાકમાં નહીં જેવો ફાયદો મળે તેમ છે. વધારે વરસાદમાં જ્યાં ક્યાંય ચેકડેમ ભરાયા છે તેને થોડો ફાયદો થશે. જોકે 70 ટકા જેટલા વિસ્તારો એવા જ છે જ્યાં વરસાદ માત્ર એક બે પિયતની કામગીરીમાં ઉપયોગી થયો છે. જોકે કપાસમાં તો ફાલ ખરી જતા ખેડૂતોને નવા ફાલની રાહ જોવાની આવી છે. આમ કપાસનો પાક બાદમાં વિલંબમાં નીકળશે એટલે શિયાળુ પાકમાં પણ વાવણી કેવી થાય છે તે પ્રશ્ન બની ગયો છે.  મગફળીના પાકને પણ કાઇ વિશેષ લાભ નથી.  ગુજરાતમાં જુલાઇ મહિનામાં સરેરાશ 22 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ હતો. ઓગસ્ટમાં સરેરાશ ચાર ઇંચ અને સપ્ટેમ્બરમાં પાંચેક ઇંચ જેટલો વરસાદ સરેરાશ થયો છે. 

કચ્છની હાલત સૌથી ખરાબ છે કારણકે ત્યાં ફક્ત 57.60 ટકા વરસાદ પડયો છે. એ પણ મોટાંભાગનો સપ્ટેમ્બરનો વરસાદ છે. સૌથી સારી સ્થિતિમાં રાપર 82 ટકા વરસાદ થયો છે. નબળી સ્થિતિ અબડાસાની છે.

દક્ષિણ ગુજરાતમાં ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ બધે ખૂબ સારાં વરસાદ છે.

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની સ્થિતિ વરવી છે. જામનગર જિલ્લામાં ફક્ત 42 ટકા વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકામાં પાછોતરો ઠીક ઠીક વરસાદ થયો છતાં માત્ર 16 ટકા વરસાદ જ થયો છે. પોરબંદરન સ્થિતિ પણ 28 ટકા વરસાદ સાથે નબળી છે.

મોરબી જિલ્લામાં 100 ટકા વરસાદ થઇ ગયો છે. રાજકોટમાં 60 ટકા વરસાદ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 98 ટકા વરસાદ પડી ગયો છે. જૂનાગઢમાં 67 ટકા, ગિર સોમનાથમાં 60 ટકા વરસાદ થયો છે. અમરેલી જિલ્લામાં 86.43 ટકા વરસાદ થયો છે. ભાવનગરમાં 94 ટકા તથા બોટાદ જિલ્લામાં  90 ટકા વરસાદ થઇ ગયો છે.

--

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026