ગુજરાતમાં ખરીફ પાકનું વાવેતર 82.66 લાખ હેક્ટર, પાછલા વર્ષમાં 82.22 લાખ હેક્ટર હતું
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,તા.21: ખરીફ પાકના વાવેતરની કામગીરી લગભગ પૂરી થઇ ગઇ છે
અને આ વર્ષે પોણા બે ટકાની પુરાંત પડી છે. ખેતીલાયક જમીન હોવા છતાં ચોમાસાના અત્યંત
નબળા દેખાવની સાથે અનિયમિત વરસાદને લીધે ખુબ મુશ્કેલી ખેડૂતોએ ભોગવી છે. મગફળી, કપાસ
અને કઠોળની છૂટીછવાઇ આવક શરૂ થઇ ચૂકી છે ત્યારે આવનારા દિવસોમાં આવક વધશે એટલે ખરીફ
મોસમ જામવાની છે. પરંતુ ખેત ઉત્પાદન ખરેખર કેટલું આવશે તે હજુ અટકળનો વિષય બનેલો છે.
ગુજરાતમાં ખરીફ પાકનું વાવેતર
82.66 લાખ હેક્ટરમાં રહ્યું છે. જે પાછલા વર્ષમાં 82.22 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી.
વાવેતર વિસ્તારમાં હળવો વધારો થયો છે પણ ઉત્પાદનમાં ખાધ પડવાનો ભય વ્યાપક છે. ખાસ કરીને
સમયસર કે વહેલા વાવેતર થયા પછી મુશ્કેલી અનિયમિત અને ઓછાં વરસાદને લીધે ઉતારાની છે.
વચ્ચે એક મહિનો સાવ કોરો ગયો એટલે વધારે ચિંતા છે.
ગુજરાતમાં મગફળીનું વાવેતર આમ
પણ આશરે પોણા બે લાખ હેક્ટર જેટલું ઘટીને 20.70 લાખ હેકટરે અટકી ગયું હતુ. એવામાં વરસાદના
મોટાં ખાંચાને કારણે ઉત્પાદન-ઉતારા અંગે જાતજાતના ગણિત મંડાય રહ્યા છે.
કપાસમાં પણ આગોતરો ફાલ ખરી ગયા
પછી હવે સ્થિરતા આવી છે પણ પાણીની ખેંચ બીજી ત્રીજી વિણિ પછી પડશે એમ ખેડૂતો કહે છે.
ગુજરાતમાં કપાસ હેઠળનો વાવેતર વિસ્તાર 21.50 લાખ હેક્ટર છે. જે ગયા વર્ષમાં 20.82 લાખ
હેક્ટર હતો. વાવેતર સામાન્ય કરતા 10 ટકા ઓછું છે પણ ગયા વર્ષથી થોડુંક વધારે છે.
એરંડાની તેજીનો લાભ વાવેતરને
મળઅયો નથી કારણ કે વરસાદ મોડો પડ્યો છે. વળી, જે ખેતરોમાં એરંડાનો પાક ઉભો હતો તેના
પર વરસાદથી બગાડની પણ ચર્ચા છે. ગુજરાતમાં એરંડાનું વાવેતર 6.09 લાખ હેક્ટરમાં થયું
છે. જે ગયા વર્ષના 6.62 લાખ હેક્ટર કરતા ઓછું છે. ગવારમાં પણ એવી જ સ્થિતિ છે. વાવેતર
ફક્ત 52 હજાર હેક્ટર થયું છે. બે વર્ષથી વાવણી ઘટી રહી છે પણ આ વર્ષે તેજીનો લાભ વાવેતરને
મળી શક્યો નથી. તુવેરનું વાવેતર આશરે 30 હજાર હેક્ટર કરતા વધારે થતા 3.30 લાખ હેક્ટર
થયું છે. તલ જેવા મહત્વના પાકનું વાવેત ગુજરાતમાં
ગયા વર્ષથી અર્ધુ જ થતા ફક્ત 20 હજાર હેક્ટરે અટકી ગયું છે. બે વર્ષથી લગાતાર ઘટાડો
આવે છે. કારણકે સરેરાશ વાવેતર વિસ્તાર આશરે 50 હજાર હેક્ટર જેટલો રહેતો હોય છે.સોયાબીનના
પાકની સ્થિતિ સારી છે. ગયા વર્ષના 2.77 લાખ હેક્ટર સામે 3.04 લાખ હેક્ટરમાં વાવેતર
થયું છે.