આકરા તડકા પડતા રોજની 20 હજારની બોક્સની આવક
એક મહિનામાં કુલ આવક 3.60 લાખ
બોક્સ નોંધાઈ : સરેરાશ ભાવ રૂ. 350-1050
રાજકોટ,તા. 19: (ફૂલછાબ ન્યૂઝ)
ગુજરાતીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતી કેસર કેરીની સીઝન હવે પૂરબહારમાં ખીલી છે. કેરી
માટે પ્રખ્યાત તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકમાં ઉછાળો નોંધાયો છે. આકરા
તડકા પડતા કેરીની મબલક આવક થઈ રહી છે. ચાલુ સીઝનમાં કેસર કેરીની આવક 3.60 લાખ બોક્સ
ઉપર પહોંચી ગઈ છે. માર્કેટમાં માલનો ભરાવો થવા છતાં સ્વાદ રસિયાઓ માટે
ચિંતાની વાત એ છે કે પ્રીમિયમ
અને સારી ગુણવત્તાવાળી કેસર કેરીના બોક્સના ભાવ હજુ પણ રૂ.1000થી નીચે જવાનું નામ નથી
લઈ રહ્યા.
સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો ગોંડલ,
તાલાલા, જુનાગઢ અને રાજકોટની બજારો કેસર કેરીની સુગંધથી મઘમઘી રહ્યા છે. કેસર કેરીની
સીઝન 19 એપ્રિલે શરૂ થઈ હતી. શરૂઆતના દિવસોમાં આવક ધીમી હતી. જોકે છેલ્લા ઘણા દિવસોથી
આકરા તાપ પડવાના શરૂ થતા આંબા પરથી કેરી ઉતારવાની પ્રક્રિયા ઝડપી બની છે. જેથી હવે
સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી દૈનિક 20 હજાર બોક્સની આવક નોંધાઈ
રહી છે. સીઝન શરૂ થઈ તેને એક મહિનો થઈ ગયો છે. એક મહિનામાં કેસર કેરીની 3.60 લાખ બોક્સની
આવક નોંધાઈ ચૂકી છે.
સામાન્ય રીતે એવું જોવા મળતું
હોય છે કે બજારમાં જ્યારે કોઈ વસ્તુની આવક વધે ત્યારે તેના ભાવમાં ઘટાડો થાય છે. પરંતુ
કેસર કેરીના કિસ્સામાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. બજારમાં ભલે લાખો બોક્સ
આવી ગયા હોય પરંતુ સારી ગુણવત્તા ધરાવતી પ્રીમિયમ કેસર કેરીના બોક્સના ભાવ હજુ પણ રૂ.1000થી
નીચે ઉતર્યા નથી. બોકસનો સરેરાશ ભાવ રૂ. 350-1050 ચાલી રહ્યો છે. ચાલુ સીઝનમાં તા.9
અને તા.17ના બોક્સનો ઉંચો ભાવ રૂ.1000 થયો હતો. જોકે બીજા દિવસે ફરી વધી ગયો હતો. ગત
સીઝનમાં ઉંચો ભાવ રૂ. 650 સુધી નીચે ગયો હતો. જોકે આ વર્ષે ભાવ એટલો નીચે જાય તેવી
શક્યતા નથી. પરંતુ રૂ.1000ની અંદર આવે તો સ્વાદ રસીકો આરામથી કેરી આરોગી શકે.
કેસર કેરીની સીઝન સામાન્ય રીતે
દોઢ મહિનો જેટલી ચાલતી હોય છે. જેથી જૂન મહિનાના પ્રથમ સપ્તાહ સુધી અને જો વાતાવરણ
સાનુકૂળ રહેશે તો બીજા સપ્તાહ સુધી કેરીનો સ્વાદ માણવા મળશે.