ભાજપ- કોંગ્રેસે તમામ નગરસેવકોને રિસોર્ટમાં ખસેડયા : નજીવી બહુમતી સાથે સતા હાસલ કરનાર ભાજપને પ્રમુખના નામની પસંદગીના લીધે પક્ષમાં તૂટ પડવાની દહેશત
(ફૂલછાબ ન્યુઝ)
વેરાવળ, તા.18 : વેરાવળ પાટણ
સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણીને લઈને રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું
છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ પોતપોતાના નગરસેવકોને રિસોર્ટ જેવા સલામત સ્થળોએ
ખસેડયા છે. જો કે, આ ઘટનાક્રમ પાછળ બન્ને પક્ષોમાં ઉદ્ભવેલા આંતરીક ખેંચતાણ અને સ્થાનીક
નેતાઓ સામેની પ્રવર્તી નારાજગી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે
આવતીકાલે તા.19ના સવારે 11 વાગ્યે કોના શીરે પાલીકા પ્રમુખનો તાજ આવે છે તે જોવું રહ્યુ.
આ વખતની પાલિકાની ચૂંટણીમાં કુલ
44માંથી ભાજપ એ 24 અને કોંગ્રેસે 20 બેઠક મેળવી છે. ત્યારે નજીવી બહુમતી સાથે ભાજપ
સતા સંભાળનાર હોય તેવા સંજોગોમાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનું નામ નક્કી કરવામાં
ભાજપમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. જેને લઈ ભાજપનું મોવડી મંડળ પણ સક્રિય
થયુ છે. તો બીજી તરફ મજબૂત બનેલી કોંગ્રેસ પણ આ વખતે લડી લેવામાં મૂડમાં હોય તેમ ગતરાત્રિના
સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનોએ ચૂંટાયેલા 20 નગરસેવક સાથે
બેઠક કરીને કાલની મહત્ત્વપૂર્ણ બેઠક પૂર્વે કોંગ્રેસ એક જૂથ રહી શક્તિ પ્રદર્શન કરે
તે અંગેની રણનીતિ ઘડી છે. તેના ભાગરૂપે કોંગ્રેસના તમામ નગરસેવકોને ચોરવાડ પંથકના કોઈ
રિસોર્ટમાં રાખવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ આજે બપોરે ભાજપના ચૂંટાયેલા
24 નગરસેવકની એક બેઠક પ્રભારી ભાવનાબેન હિરપરાની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠક બાદ ભાજપના
તમામ નગરસેવકોને ગિર પંથકના કોઈ રિસોર્ટમાં સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે કારણ કે,
આ ઘટનાક્રમ પાછળ ભાજપ પક્ષમાં પ્રમુખ પદ માટે ત્રણથી ચાર જેટલા નગરસેવકોએ મજબૂત રીતે
દાવેદારી કરી હોવાથી પક્ષમાં ફૂટ પડે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. તો અમુક નગરસેવકો કોંગ્રેસના
ટેકા સાથે સરપ્રાઈઝ આપે તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે. ત્યારે ભાજપ પક્ષના તમામ નગરસેવકો
એક હોવાનો સંદેશો વિરોધીઓને આપવા માટે તમામ નગરસેવકોને રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા
હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે. જો કે, ભાજપમાંથી પ્રમુખ પદ માટે ચર્ચામાં
આવેલા નામોને લઈ ભાજપના નગરસેવકો અને સ્થાનીક નેતાઓમાં જૂથવાદ ચરણસીમાએ પહોંચ્યો છે.
જે ટાળવા માટે મોવડી મંડળ રણનીતીના ભાગરૂપે તમામ નગરસેવકોને શહેરથી દૂર લઈ ગઈ છે અને
આવતીકાલે બેઠક સમયે સીધા પાલીકા કચેરીએ લઈ આવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
પ્રમુખનું પદ ખારવા અથવા બ્રહ્મ
સમાજના ઉમેદવારના ફાળે જશે !
પાલિકા પ્રમુખ પદ માટે ભાજપમાં
ચાલી રહેલી ભારે ખેંચતાણ વચ્ચે અનેક વિકલ્પો ઉપર મોવડી મંડળ મંથન કરી રહ્યું છે. ત્યારે
આ વર્ષે પાલિકાની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખનું પદ સામાન્ય વર્ગ માટેનું હોવાથી
સુવર્ણ સમાજમાંથી વિજેતા થયેલા ઉમેદવારોમાં આશા જાગી છે. જો કે, રાજકીય પરિસ્થિતિ મુજબ
પાલિકા પ્રમુખનું પદ સુવર્ણના બદલે ઓબીસીમાં આવતા ખારવા સમાજના ફાળે આવે તેવી પ્રબળ
શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વેરાવળ પાલિકા
પ્રમુખનું પદ ખારવા, બ્રહ્મ અથવા વણીક સમાજના ઉમેદવારના ફાળે જશે તેવી શક્યતા વર્તાઈ
રહી છે.