• બુધવાર, 20 મે, 2026

KKRના રંગમાં ભંગ પાડવા MI તત્પર

કોલકતા, તા.19 આઇપીએલ-2026 સીઝનની ખરાબ શરૂઆતને લીધે મઝધારમાં ફસાયેલી ટીમ કોલકતા નાઇટ રાઇડર્સે જો તેની પ્લેઓફની આશા જીવંત રાખવી હશે તો બુધવારે મુંબઇ ઇન્ડિયન્સ સામેના મેચમાં કરો યા મરોનો જંગ ખેલવો પડશે. મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઓફ દોડ પહેલા સમાપ્ત થઇ ચૂકી છે. તેનું લક્ષ્ય કેકેઆરના રંગમાં ભંગ પાડવાનું હશે. જો મેચમાં કેકેઆરની હાર થશે તો અજિંકયા રહાણેની કપ્તાનીમાં સતત બીજી સીઝનમાં ટીમ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં. 2024માં શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ખિતાબ જીત્યા બાદ કેકેઆર પાછલી સીઝનમાં 8 નંબર પર રહી હતી. મુંબઇ સામે જો જીત મળશે તો પણ કેકેઆરનું ભાગ્ય શનિવારના લખનઉ-પંજાબ વચ્ચેના મેચના પરિણામ પર નિર્ભર રહેશે. જો મેચ પંજાબ જીતી જશે તો રવિવારનો કેકેઆર-િદલ્હીનો મેચ ઐપચારિક બની રહેશે.

કેકેઆરે પાછલા 6 મેચમાં વિજય પ્રાપ્ત કરીને શાનદાર વાપસી કરી છે, પરંતુ પ્રારંભના ખરાબ રિઝલ્ટને લીધે તેની સ્થિતિ અન્ય ટીમના પરિણામ પર નિર્ભર છે. ટીમ સંયોજન માટે શરૂઆતના 7 મેચમાં થયેલા પ્રયોગ કેકેઆરને મોંઘા પડયા હતા. જેની કિંમત હવે ચૂકવી રહી છે. ફિન એલનના ફોર્મથી કેકેઆરને ફાયદો થયો છે. યુવા અંગકૃષ રઘુવંશી અને મોંઘેરો કેમરૂન ગ્રીન પણ રન કરી રહ્યા છે. જયારે રિંકુ સિંહ મેચ ફિનિશ કરી રહ્યો છે. અને બીજા ખેલાડીઓએ એમઆઇ સામે હલ્લાબોલ કરી મોટો વિજય હાંસલ કરવો પડશે.

બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ તેના નિરાશાજક સત્રનો અંત આખરી બે મેચમાં વિજય સાથે કરવા માગશે. તેનો કપ્તાન હાર્દિક પંડયા મેચથી વાપસી કરી શકે છે. ઇજાને લીધે તે પાછલા ત્રણ મેચ રમી શક્યો હતો. તે ઉપરાંત સૂર્યકુમાર યાદવ સીઝનમાં સારો દેખાવ કરી શકયા નથી. રોહિત શર્માના દેખાવમાં પણ સાતત્ય જોવા મળ્યું નથી. તિલક વર્માએ એક-બે મેચ વિનિંગ ઈનિંગ રમી છે. ટીમનો સ્ટ્રાઇક બોલર બુમરાહ માટે સીઝન ભુલી જવા જેવી રહી છે. હવે કેકેઆર સામે પ્રોત્સાહક જીત માટે મુંબઈ ઈન્ડિયન્સે કડવી યાદોને ભૂલીને શાનદાર દેખાવ કરવો પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક