આરસીબી, સનરાઇઝર્સ અને ટાઈટન્સ કવોલીફાય
નવી દિલ્હી, તા.19ઃ આઇપીએલ-2026 સીઝનમાં
પ્લેઓફ રાઉન્ડની ત્રણ ટીમ ફિકસ થઇ ચૂકી છે. ગઇકાલના મેચમાં સીએસકે સામેના વિજયથી સનરાઇઝર્સ હૈદરાબાદની સાથોસાથ ગુજરાત ટાઇટન્સની પ્લેઓફમાં એન્ટ્રી થઇ છે. હવે ફકત એક સ્થાન ખાલી છે અને આ માટે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ પાસે તક છે. કેકેઆર પણ જો અને તોની સ્થિતિમાં છે. આ ઉપરાંત આરસીબી, સનરાઇઝર્સ અને ટાઈટન્સ વચ્ચે ટોચના બે સ્થાન પર રહી પ્લેઓફમાં પહોંચવાની નવી રેસ શરૂ થઇ છે. જેમાં આરસીબી 18 અંક સાથે આગળ છે. તેનો એક મેચ બાકી છે. ગુજરાત ટાઈટન્સના 16 અને સનરાઇઝર્સ હૈદરાબાદના પણ 16 પોઇન્ટ
છે. તેના પણ 1-1 મેચ બાકી છે.
પ્લેઓફની શરૂઆત 2011માં થઇ હતી. અત્યાર સુધીમાં ફકત એકવાર જ 3 કે 4 નંબરની ટીમ વિજેતા બની છે. 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદે આવું કર્યું હતું.
મુંબઇ અને લખનઉ ટીમ પહેલેથી જ બહાર થઇ ચૂકી છે. બાકીની પ ટીમ જે રેસમાં છે. તેમાં પંજાબના 13, રાજસ્થાનના 12, દિલ્હીના 12, સીએસકેના 12 અને કેકેઆરના 11 અંક છે. રાજસ્થાન અને કેકેઆરના હાથમાં 2-2 મેચ છે. આથી તેમની સ્થિતિ વધુ સારી છે. રાજસ્થાન જો બન્ને મેચ જીતી લેશે તો તે 16 અંક સાથે સીધો પ્લેઓફ પ્રવેશ કરશે. કેકેઆરે બન્ને મેચની જીત ઉપરાંત એવી આશા રાખવાની પડશે કે લખનઉ સામે પંજાબને હાર મળે.