• મંગળવાર, 19 મે, 2026

ગિરમાં 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ

અકસ્માત વીમો અને મેડિક્લેઇમ પૂરો પાડવા ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને પરિમલ નથવાણીની પહેલ 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 18: ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના સહયોગથી ગિર અને બૃહદ્ ગિરના વિવિધ સર્કલમાં કાર્યરત 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ ગિરના વન વિભાગના અધિકારીઓના સહયોગથી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી સાથે મળીને ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ દ્વારા ટ્રેકર્સને રૂ. 3 લાખથી રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

 સામાન્ય રીતે ટ્રેકર્સની કામગીરી ખૂબ જ જોખમી ગણવામાં આવતી હોવાથી વીમા કંપનીઓ તેમને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું કવચ પૂરું પાડવામાં આનાકાની કરતી હોય છે, પરંતુ પરિમલ નથવાણીના વિશેષ પ્રયત્નોથી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી સાથે મળીને ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ કંપનીએ વીમા કવચ પૂરું પાડયું છે.

 ફોરેસ્ટ ટ્રેકર્સ માટેના મેડિક્લેઇમમાં રૂ. 3,00,000 (રૂ. 3 લાખ) સુધીની રકમ ચૂકવવામાં આવશે, જેમાં સર્જરી, રૂમ ચાર્જ, ડોક્ટરની ફી, ટેસ્ટ અને દવાઓના ખર્ચ વિગેરેને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, 30 દિવસના પ્રિ-હોસ્પેટલાઇઝેશન અને 60 દિવસના પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન સમયગાળાને પણ આવરી લેવામાં આવ્યો છે. વીમા કંપનીની નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર આપવામાં આવશે.

પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, પ્રિમિયમની રકમની ચૂકવણી હું મારા વ્યક્તિગત ફંડમાંથી અર્પણ કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું.

ઇ-પેપરના નવા શુલ્ક