• ગુરુવાર, 21 મે, 2026

24 કલાક બાદ ગરમીમાં 2થી 3 ડિગ્રીના ઘટાડાની આગાહી

કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 19: છેલ્લા કેટલાક દિવસથી આકરી ગરમીના કારણે લોકો અકળાઇ ઉઠયા છે. ત્યારે હવે રાહતના સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસો માટે, એટલે કે 19થી 25મે સુધીની આગાહી મુજબ, હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે. આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. છતાં, કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ઉત્તર પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા જમ્મુની આસપાસ 1.5થી 3.1 કિલોમીટરની ઊંચાઈ પર સક્રિય છે, અને તેની ઉપર 5.8 કિલોમીટરની ઊંચાઈ પર એક ટ્રફ લાઈન પણ છે જે 72 ડિગ્રી પૂર્વ અને 31 ડિગ્રી ઉત્તર પર ચાલી રહી છે. 

હવામાન વિભાગે ચોમાસાની પ્રગતિ અંગે જણાવતા કહ્યું કે તે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગો તેમજ આંદામાન-નિકોબાર ટાપુઓ તરફ આગળ વધી ગયું છે અને આગામી દિવસોમાં પણ તે આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ બનેલી છે. આગાહી મુજબ, કેરળમાં ચોમાસું પહોંચવાની તારીખ 26 મે છે, જેમાં 4 દિવસ આગળ કે પાછળ થઈ શકે છે, જો કે સામાન્ય રીતે ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે.

આજે સાંજે નોંધાયેલા હવામાન ખાતાના આંકડા અનુસાર આજે અમદાવાદમાં 42.2, રાજકોટમાં 43.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અન્ય શહેરોમાં જોઇએ બરોડામાં 42, સુરતમાં 38.2, સુરેન્દ્રનગરમાં 41.4, અમરેલીમાં 43.1, ભુજમાં 39, ડીસામાં 41.6, કંડલામાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક