• મંગળવાર, 19 મે, 2026

રાહતની આગાહી : આગામી છ દિવસમાં ગરમીમાં થશે ઘટાડો 19થી 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 18: છેલ્લા કેટલાક દિવસથી આકરી ગરમીના કારણે લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક બાદ તાપમાનમાં ધીમે-ધીમે ઘટાડો થશે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. રાજ્યમાં હીટવેવ અંગે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરીએ તો સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સુકું રહ્યું હતું. દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું.

દરમિયાનમાં હવામાન નિષ્ણાતે ગરમી અને વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે આવતીકાલથી ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે. ગુજરાતમાં આવતીકાલથી 24 મે સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. 24મે આસપાસ ચોમાસુ કેરલમ પહોંચશે. 23મી સુધી આંદામાનમાં ભારે વરસાદ પડશે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળશે પણ ઉકળાટની અસર વર્તાશે. મે મહિનાના અંતમાં ગરમીમાં રાહત મળશે. 19થી 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે.

આજે સાંજે નોંધાયેલા હવામાન ખાતાના આંકડા અનુસાર આજે અમદાવાદમાં 43.7, જૂનાગઢમાં 42, રાજકોટમાં 42.2 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અન્ય શહેરોમાં જોઇએ બરોડામાં 42, સુરતમાં 39.6, સુરેન્દ્રનગરમાં 43.3, અમરેલીમાં 42.9, ભુજમાં 40.4, ડીસામાં 41.3, કંડલામાં 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક