આંતરિક અસંતોષે ભાજપને 4 બેઠકોની નુકસાની કરાવી
વેરાવળ, તા. ર8: વેરાવળ-પાટણ
નગરપાલિકામાં ભાજપને ‘માંડ-માંડ’ બહુમતી મળી છે, જ્યારે કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે
ઉભરી આવ્યુ છે.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની
ચૂંટણીમાં ભાજપે સત્તા જાળવી રાખી છે પરંતુ અંદરખાને ઉકળાટ અને ગેરસમજણો પાર્ટી માટે
ભારે ઘાતક સાબિત થઈ છે. ખાસ કરીને ટિકિટ ફાળવણીમાં છેલ્લી ઘડીએ થયેલા ‘ખેલ’એ આખી ચૂંટણીની
દિશા જ બદલી નાખી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ચૂંટણી માટે ભાજપ પક્ષે શરૂઆતમાં
તૈયાર થયેલ ઉમેદવાર યાદીમાં અંતિમ ક્ષણે કરાયેલા ફેરફારોને કારણે અનેક જૂના કાર્યકરો
અને દાવેદારોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. સ્થાનિક સ્તરે વર્ષોથી કાર્યરત નેતાઓને અવગણીને
‘પસંદગીના’ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સંગઠનના મૂળ સ્તરે જ ખાડો પડી ગયો હોય તેવી
સ્થિતિ સર્જાઈ હતી. આ આંતરિક અસંતોષનો સીધો
અસર મતદાન પર જોવા મળતો હતો. ગત ટર્મમાં 29 બેઠકો સાથે મજબૂત સત્તા ધરાવતું ભાજપ આ
વખતે 24 બેઠકો પર સીમિત રહી ગયો હતો. એટલે કે સીધું ચાર બેઠકોનું નુકસાન થયું છે. શરૂઆતથી
મતગણતરીમાં ઉતાર ચડાવ વચ્ચે એક સમયે ભાજપ અને કોંગ્રેસ બંન્ને 20-20 બેઠકોની બરાબરીએ
આવતા સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ભાજપ પાર્ટી માટે પરિસ્થિતિ અનુકૂળ નથી. અંતે વોર્ડ
નં.11 માં થયેલા ક્લીન સ્વીપે ભાજપને 24 બેઠકો સુધી પહોંચાડી નહીંતર પાલિકાની સત્તા
હાથમાંથી જતી રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી.
તો બીજી તરફ કોંગ્રેસે ભાજપના
આ આંતરિક વિખવાદનો પુરેપુરો ફાયદો ઉઠાવ્યો. ગત વખતે 13 બેઠકો ધરાવતી કોંગ્રેસ આ વખતે
20 બેઠકો સુધી પહોંચી, જે ભાજપ માટે ચેતવણી સમાન છે.