ગુજરાતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ રાજીનામું આપ્યું
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.27 : આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ રાજીનામું આપી દેતા રાજકીય
ખળભળાટ મચી જવા પામ્યો હતો. બીજી બાજુ ગુજરાતમાં પણ ચૂંટણી પહેલા ‘આપ’માંથી અનેક નેતાઓ
છૂટા થયા હતાં અને પક્ષપલટો કરી ગયા હતાં. તાજેતરમાં જ ખેડૂત નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી
રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. હવે આમ આદમી પાર્ટીના દિગ્ગજ અને પ્રદેશ
ઉપાધ્યક્ષ નેતા સાગર રબારીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
સાગર
રબારીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી સાથેની યાત્રા
અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીઓમાંથી પોતાને મુક્ત કરું
છું. સહયોગ બદલ સહુ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. વ્યક્તિગત સંબંધો અને દોસ્તી
ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે. સાગર રબારીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીમાંથી એક દિગ્ગજ
નેતાની વિદાય થઈ છે. ખેડૂત નેતા તરીકેની ઓળખ ધરાવતા સાગર રબારી આમ આદમી પાર્ટીના મજબૂત
સ્તંભ ગણાતા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં તેમની
ભૂમિકા મહત્ત્વની રહી છે. રાજુ કરપડા બાદ હવે સાગર રબારીએ પણ રાજીનામું આપતા, આગામી
ચૂંટણીઓમાં પાર્ટીની વ્યૂહનીતિ પર મોટી અસર પડી શકે છે. હજુ સુધી સાગર રબારી કયા પક્ષમાં
જોડાશે અથવા તેમનું આગામી પગલું શું હશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ
તેમના રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.