• બુધવાર, 29 એપ્રિલ, 2026

અમરેલી જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતો પર કમળ ખીલ્યાં

જિલ્લા પંચાયતની 34માંથી 31 બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસ માત્ર 1 બેઠક પર સમેટાઈ.

બગસરા તાલુકા પંચાયત પર ‘આમ આદમી પાર્ટી’નો કબજો, 16માંથી 10 બેઠક જીતી

લીલિયા તાલુકા પંચાયતમાં 9 બેઠક સાથે કોંગ્રેસે ભાજપને પછાડી સત્તા હાંસલ કરી

અમરેલી, તા.28: અમરેલી જિલ્લામાં રવિવારે યોજાયેલી 1 જિલ્લા પંચાયત, 6 નગરપાલિકાઓ અને 11 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 17 વિવિધ સ્થળોએ હાથ ધરવામાં આવેલી મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લામાં પોતાનું એકચક્રી શાસન સ્થાપિત કર્યું છે. કુલ 184 બેઠકમાંથી ભાજપે 128 બેઠક પર વિજય મેળવ્યો છે અને 10 બેઠકો બિનહરીફ જીતીને કુલ 138 બેઠક સાથે ભવ્ય વિજય સરઘસો કાઢયા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે 34 બેઠક, આમ આદમી પાર્ટીને 11 બેઠક અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકમાંથી 31 બેઠક પર ભાજપે વિજયનો પરચમ લહેરાવ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીને 2 અને કોંગ્રેસને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડયો છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો, 11 માંથી 9 તાલુકા પંચાયતો પર ભાજપે કબજો જમાવ્યો છે. જોકે, લીલિયા તાલુકા પંચાયત કોંગ્રેસે 9 બેઠક જીતીને ભાજપ પાસેથી આંચકી લીધી છે. બીજી તરફ, બગસરા તાલુકા પંચાયતમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીએ 16માંથી 10 બેઠક જીતીને સત્તાના સમીકરણો બદલી નાખ્યા છે. અન્ય તાલુકાઓ જેવા કે બાબરા, સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. રવિવારે છૂટાછવાયા બનાવોને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં સૌ પ્રથમ બેલેટ પેપર અને ત્યારબાદ ઈ.વી.એમ. મશીનોના મતોની ગણતરી કરવામાં આવી હતી. બપોર બાદ પરિણામો સ્પષ્ટ થતા જ જિલ્લાભરમાં વિજેતા ઉમેદવારો અને સમર્થકો દ્વારા ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો ઉડાડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક