• બુધવાર, 29 એપ્રિલ, 2026

જૂનાગઢ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતમાં ફરીથી ભાજપ તા.પં.માં ભાજપ અને આપને 9-9 બેઠક મળતા ટાઈ

કોંગ્રેસ જિ.પં.માં ખાતુ ન ખોલાવી શકી : ભેસાણ, વિસાવદરમાં ‘આપ’

જૂનાગઢ, તા.ર8: સોરઠમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયત અને જિલ્લાની 6 તાલુકા પંચાયત તથા કેશોદ નગરપાલિકામાં ભાજપએ બહુમતી મેળવી સત્તા હસ્તગત કરી છે. જ્યારે ભેસાણ વિસાવદરમાં આપનું શાસન સ્થપાશે પરંતુ જૂનાગઢમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ થઈ છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકની ચૂંટણીમાં ભાજપે વર્ષ 2021 કરતાં વધુ એક એટલે કે 23 બેઠકો ઉપર જીત મેળવી છે. જ્યારે સાત બેઠકો ઉપર આપના ઉમેદવારો વિજેતા થયા છે. કોંગ્રેસે જિલ્લા પંચાયતમાં ખાતું ખોલાવી શકી નથી. આ પરિણામથી જિલ્લા પંચાયતમાં ભાજપનું પુનરાવર્તન થયું છે.

જિલ્લા પંચાયતની અગતરાય, અજાબ, અમરાપુર ગીર, બાલાગામ, બીલખા, ગડુ, જુથળ, કોયલાણા, કુકસવાડા, મજેવડી, મક્તુપુર, માળીયા, માંગરોળ ઓજી, મટીયાણા, મેખડી, મેંદરડા, મેસવાણ, સરદારગઢ, સરસઈ, સાસણ, શાપુર અને શીલ બેઠક ઉપર ભાજપે જીત મેળવી છે.

જ્યારે ભેસાણ, ચુડા, ડુંગરપુર, કાલસારી, કણજા, મોટી મોણપરી અને વડાલ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

જિલ્લાની નવ તાલુકા પંચાયતોમાંથી ભાજપે છ તાલુકા પંચાયતોમાં સત્તા જાળવી રાખી છે. તેમાં વંથલી, કેશોદ, માણાવદર, માંગરોળ, માળિયા અને મેંદરડાનો સમાવેશ થાય છે. જ્યારે ભેસાણ અને વિસાવદરમાં આપે કબજો કર્યો છે. જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ અને આપને 9-9 બેઠક મળતા ટાઈ થઈ છે.

તેમજ કેશોદ નગરપાલિકાની 36 બેઠકની ચૂંટણીમાં ભાજપે 33 બેઠકો સાથે બે તૃતીયાંશ બહુમતી મેળવી છે. કોંગ્રેસને માત્ર ત્રણ બેઠક મળી છે અહીં આપનું ખાતુ ખુલ્યુ નથી. વોર્ડ નંબર 1,3,4,5,6,7 અને 9 માં ભાજપની પેનલ વિજેતા બની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક