સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાનના દિવસ રવિવાર સુધી ગરમીનો પ્રકોપ રહેશે
રાજકોટ,
અમદાવાદ તા.23 : રાજયમાં ઉનાળો હવે આકરો મીજાજ બતાવી રહયો છે. પશ્ચિમ ભારતમાં પવનોની
દિશામાં થયેલા ફેરફાર અને ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીનું
જોર વધ્યું છે. હવામાન વિભાગે 26 એપ્રિલ સુધી રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની
ચેતવણી આપી છે ત્યારે આજે રાજ્યના પાંચ શહેરોમાં 40 ડિગ્રી પાર ગરમી નોંધાઇ છે. જેમાં
રાજકોટ 42.7 ડિગ્રી સાથે રાજયનું સાથી ગરમ શહેર રહ્યું છે. જોકે, આ તો માત્ર શરૂઆત છે. હવામાન વિભાગના મતે
આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
ખાસ કરીને 26 એપ્રિલ સુધીમાં રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે
છે કે ગરમી સામાન્ય કરતાં વધુ પ્રબળ રહેશે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી 26 એપ્રિલના
રોજ ગરમી તેની ચરમસીમાએ પહોંચી શકે છે, જેમાં તાપમાન 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર બની રહી છે, જ્યાં ભેજનું પ્રમાણ
વધુ હોવાથી લોકોને અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે , જે સ્વાસ્થ્ય માટે પણ
જોખમી સાબિત થઈ શકે છે.
રાજ્યમાં
વધતા જતા તાપમાનને ધ્યાનમાં રાખીને હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ચૂંટણીના માહોલ
અને જાહેર જીવન પર ગરમીની માઠી અસર ન પડે તે માટે તંત્ર સજ્જ થયું છે. વહીવટી તંત્ર
અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે, ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન
બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. ગરમીથી બચવા માટે વધુમાં વધુ
પ્રવાહીનું સેવન કરવું અને સુતરાઉ કપડાં પહેરવા જેવી સાવચેતી રાખવી અનિવાર્ય છે. સૂર્યના
સીધા કિરણોથી બચવા માટે માથા પર રૂમાલ કે ટોપીનો ઉપયોગ કરવો જરૂરી છે.