જામનગર, તા.23: શહેરના પાછલા તળાવમાં બે સગીર મિત્રોના ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નીપજ્યા છે. મૃતકોની ઓળખ 12 વર્ષીય જેનીશ નંદા અને 10 વર્ષીય હર્ષિલ ડાંગર તરીકે થઈ છે, જેઓ ધોરણ 8માં એક જ શાળામાં અભ્યાસ કરતા હતા. ગઇકાલે પરીક્ષા પૂર્ણ થયા બાદ બંને બાળકો ઘરેથી નીકળીને લાપતા થયા હતા. પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી હોવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો, જે બાદ આજે સવારે તળાવમાંથી બંનેના મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સ્થાનિક રહેવાસી વિપુલભાઈએ ફાયર બ્રિગેડને જાણ કરતા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીમાંથી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢયા હતા. સિટી એ ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાળકો તળાવમાં કઈ રીતે ડૂબ્યા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.