• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

વલસાડ: કપરાડામાં આણું વાળી પરત ફરતા પરિવારને નડયો અકસ્માત, 7ના મૃત્યુ

દસ ઇજાગ્રસ્તની હાલત      ગંભીર : ચઢાણ પર બ્રેક       ફેઈલ થઈ જતાં ડ્રાઈવરે સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવ્યો

સુરત, તા. 22 : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં મુસાફરોથી ભરેલી પિકઅપ વાન પલટી જતાં સાત લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે જ્યારે દસ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું માલુમ પડયું છે. ઇજાગ્રસ્તોની હાલત એટલી ગંભીર બતાવવામાં આવી રહી છે કે કદાચ મૃતક આંક વધે તેવી આશંકા છે.

પ્રાપ્ત થતી માહિત પ્રમાણે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગિરનારા ગામનો પરિવાર લગ્ન પ્રસંગ નિમિત્તે કોલવેરા ગામમાં આણું વાળવા ગયા હતા. આણું વાળવાની વિધિ પતાવીને 28 મુસાફરો પિકઅપમાં ગિરનારા ગામે પરત ફરી રહ્યા હતા. પિકઅપ વાન વીરક્ષેત્ર નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ચઢાણ પર બ્રેક ફેઈલ થઈ જતાં ડ્રાઈવરે સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પગલે બેકાબુ બનેલી પીકઅપ વાન પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર બન્યો કે અવાજથી રોડ પર દોડી રહેલા આજુબાજુના વાહનો એક તબક્કે રોકાઈ ગયા હતા. અકસ્માતના પગલે રોડ મુસાફરોની મરણચીસોથી ગુંજી ઉઠયો હતો. આ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તેમજ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે રાહત અને બચાવ માટે દોડી આવ્યા હતો. જેમાં પીકઅપ હેઠળ ચગદાઈ ગયેલા સાત  મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. પોલીસે તમામ મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી 10ની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક