સ્વરાજ્યની સદ્ભાવના લોકહૈયે જુવાળરૂપે પ્રગટે તેવા ઉમદા ઉદ્દેશ્યથી બાળગંગાધર ટીળકે 1890ના દાયકે મહારાષ્ટ્રમાં શરૂ કરેલો ગણપતિ ઉત્સવ દેશના અન્ય હિસ્સાઓમાં પણ પહોંચ્યો છે, પાડોશી રાજ્યના નાતે અને ઉત્સવ માટે સદાય ઉત્સુક રહેતા ગુજરાતે દોઢ દાયકાથી આ પર્વને પોતાનું બનાવી દીધું છે. સુરત-વડોદરામાં મોટા પ્રમાણમાં ઊજવાતું વિઘ્નહર્તાનું આ પર્વ ગુજરાતનાં ગામે-ગામ નહીં, ગલી ગલી પહોંચ્યું છે. લાલબાગચા રાજાની પેટર્ન ઉપર દરેક શેરીએ ગણરાજ ગણનાયકની સ્થાપના થઈ છે. એક અવલોકન એવું છે કે શ્રાવણ માસમાં શિવ આરાધના અને નવરાત્રિમાં શાત્રોક્ત ઉપાસનાની વચ્ચે આવતું આ પર્વ ધર્મની સાથે જ સામાજિક મેળાવડાનું પણ માધ્યમ બની રહ્યું છે.
ગુજરાતમાં
નવરાત્રિ અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વ દિવાળી પછી સૌથી મોટા ધાર્મિક-સામાજિક ઉત્સવો
છે હવે ગણેશ ઉત્સવનો ઉમેરો થયો છે. મહારાષ્ટ્ર મંડળ જેવી સંસ્થાઓ તદ્દન સાદાઈથી સીમિત
સમૂહ માટે ગણેશ સ્થાપન કરતી અને ત્યાં કીર્તન-આરતી થતાં હવે વિશાળ પંડાલ, વિરાટ પ્રતિમાઓ
સાથે ગણેશ સ્થાપન થઈ રહ્યાં છે. ગુજરાતે મહારાષ્ટ્રના આ ઉત્સવને વધાવી લીધો છે. ગણેશોત્સવમાં
સોસાયટી, સંગઠનો દ્વારા આયોજન થાય ત્યાં પ્રસાદ અને ભોજનની વિવિધતા હોય છે. ગુજરાતમાં
પણ હવે આ ઉત્સવનું ધાર્મિક અર્થતંત્ર ઊભું થયું છે. છેલ્લા એક સપ્તાહથી આ ઉત્સવ ચાલી રહયો છે. હવે તો
વિસર્જન પણ શરૂ થયાં છે. ધાર્મિક-સામાજિક બન્ને હેતુ અહીં પરિપૂર્ણ થાય છે. ગુજરાતનું
આ પણ એક રૂપ છે.
રાજકીય
સંગઠનો, સામાજિક સંસ્થા, રહેણાક સોસાયટી કે એપાર્ટમેન્ટના ગણેશોત્સવો છે. ગણપતિને ભજવા,
વધાવવા માટે આપણી પાસે અનેક સૂરિલી રચનાઓ, શાત્રોક્ત મંત્રોના સુંદર સ્વરાંકનો અને
લોકગીતો-ભજનોની શૃંખલા છે તેમ છતાં અત્યંત બુલંદ અવાજ, કહીએ કે ઘોંઘાટ વાળા ડી.જે.
કે સાઉન્ડ સિસ્ટમ આ ઉત્સવનું રૂપ બગાડી રહ્યાં છે. ગણપતિ સ્થાપન, દર્શન, દરરોજ આરતીના
આયોજનોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોએ રાષ્ટ્રચેતના અને ધર્મના સમન્વય સમાન આ ઉત્સવને
નોખો આયામ આપી દીધો છે.
ગણપતિ
વિસર્જન સમયે ટ્રાફિક નિયંત્રણ તો મોટો પડકાર છે જ પરંતુ આસપાસનાં જશાળયોમાં સંભવિત
દુર્ઘટનાઓ નિવારવા માટે પણ અત્યંત સતર્ક રહેવાનું બને. આમ તો હવે ઈકો ફ્રેન્ડલી મૂર્તિ,
માટીની પ્રતિમા અને ઘરે જ વિસર્જન જેવા જનજાગૃતિ અભિયાનો પણ ચાલ્યાં છે છતાં આસ્થા-શ્રદ્ધા
વશ પરિવારો અને આયોજનો મૂર્તિ પધરાવવા જતા હોય છે. ચતુર્થી- સોમવારથી આ ભવ્ય મંગલ ઉત્સવનો
આરંભ થઈ ચૂક્યો છે. ગુજરાત દસ દિવસ હવે ગણેશના ગુણગાનમાં મસ્ત થશે.