• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

‘ફૂલછાબ’ રામકથાની વિગતો હવે આંગળીના ટેરવે મળશે

રામકથાની વેબસાઈટ https://ramkatha.janmabhoomigroup.com લોન્ચ થઈ

સદી વટાવ્યા પછી પણ ફૂલછાબ અણનમ : સ્વામી નિખિલેશ્વરાનંદજી

અન્ય પ્રાંતના અધિકારીઓને પણ ફૂલછાબ પોતાના કરી લે છે : કલેક્ટર

 

રાજકોટ, તા.20 : ફૂલછાબ દૈનિક દ્વારા આગામી તા.9થી 17 જાન્યુઆરી દરમિયાન રાજકોટમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા અંતર્ગત તૈયાર કરવામાં આવેલી વેબસાઇટ https://ramkatha.janmabhoomigroup.comનું લોન્ચિંગ આજે ધોળકિયા સ્કૂલના ઓડિટોરિયમ ખાતે રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદજી, કલેક્ટર ડો.ઓમ પ્રકાશ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ધોળકિયા સ્કૂલના સંચાલક મીતુલભાઈ ધોળકિયા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, ફૂલછાબ દૈનિકના મેનેજર નરેન્દ્રભાઈ ઝીબા, તંત્રી જ્વલંતભાઈ છાયા, કચ્છમિત્ર અખબારના મેનેજર મુકેશભાઈ ધોળકિયા, ફૂલછાબના નાયબ તંત્રી વિપુલભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પર રામકથા ઉપરાંત તેની સાથે જોડાયેલી ‘િવદ્યાવૃક્ષ’ યોજના અંગેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રામકથા અંતર્ગતના આ કાર્યક્રમમાં આજે સોશિયલ મીડિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર રાજકોટના ઇન્ફ્લુએન્સર્સનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ફૂલછાબને શુભેચ્છા પાઠવતા સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું હતુ કે, સદી વટાવ્યા પછી પણ ફૂલછાબ અણનમ છે અને સમાજમાં મૂલ્યોની પુન: પ્રતિષ્ઠાની ભૂમિકા જવાબદારીપૂર્વક નીભાવી રહ્યું છે. રામકથા મોટો ઉત્સવ છે અને ઘર આંગણે ગંગા આવી છે. તેમાંય શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન એ મહત્ત્વની બાબત છે. રાજકોટ રંગીલું તો છે જ સાથે સેવાભાવી અને દાનવીર પણ છે. આ વખતની કથામાં પણ ખુલ્લા હાથે દાન આપશે.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે પોતાનાં પ્રભાવશાળી સંબોધનમાં કહ્યું હતુ કે, ફૂલછાબ એવું અખબાર છે જે અન્ય પ્રાંતના અધિકારીઓને પણ પોતાના કરી લે છે. રામકથા સાથે આજના યુવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને જોડીને નવી પેઢીને પ્રેરણા આપવાનું કાર્ય કર્યું છે. ભગવાન રામ આવનારા અસંભવિત સમય માટે દરેક વ્યક્તિ માટે રિલેવન્ટ રહેશે. રામ આજે પણ પ્રસ્તુત છે અને તમામનાં જીવનનો સાર રામ જ છે. મહાભારતના ગાંધારી અને દુર્યોધનના ‘જો તમે સાચા છો તો તમે સફળ થાઓ’ પ્રસંગની ટૂંકમાં વાત કહીને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને યુવાઓને ઉપયોગી વાતો કહી હતી.

ફૂલછાબના મેનેજર નરેન્દ્રભાઈ ઝીબાએ ફૂલછાબનો ઈતિહાસ, સેવાકીય પ્રવૃત્તિઓ, સૌરાષ્ટ્ર સાથે અનુસંધાન અને મોરારિબાપુની રામકથા તેમજ વેબસાઇટની ભૂમિકા આપી હતી. ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી તેમણે ફૂલછાબના ‘િવદ્યાવૃક્ષ’ પ્રકલ્પની ઉપસ્થિતોને પ્રાથમિક માહિતી આપી હતી. શિક્ષણ સેવાના આ ભગીરથ કાર્ય માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, ટ્રસ્ટી સજયભાઈ શાહ અને જન્મભૂમિ જૂથના ગ્રુપ એડિટર અને સીઈઓ કુન્દનભાઈ વ્યાસનું સતત માર્ગદર્શન મળતું રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. બાદમાં આ સેવાકાર્યના પ્રચાર પ્રસારમાં જોડાયેલા ખ્યાતનામ 35 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સના સન્માન સમારોહનો શુભારંભ કરાવ્યો હતો.

ફૂલછાબ દ્વારા આયોજિત આ રામકથા માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતા શિક્ષણના યજ્ઞ સાથે જોડાઈ છે. ‘િવદ્યાકુંજ’ ઝુંબેશ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણ અને જ્ઞાન પહોંચાડવાનો સંકલ્પ આ સમગ્ર અભિયાનનું મુખ્ય કેન્દ્ર છે. આ કાર્યક્રમમાં ભદ્રાયુભાઈ વછરાજાની, સંજુભાઈ વાળા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થામાં જાહેરખબર વિભાગ મેનેજર મનિષભાઈ જાની, રવાનગી વિભાગના વડા ચેતનભાઈ દોશી, એકાઉન્ટ વિભાગના હિતેષભાઈ લાંબા તેમજ સ્ટોર વિભાગના આનંદભાઈ જોશીનાં માર્ગદર્શનમાં તંત્રી વિભાગ સહિત ફૂલછાબના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

----------------

રામકૃષ્ણ આશ્રમ પણ કથાનાં આયોજનમાં જોડાશે

સ્વામી વિવેકાનંદ સ્થાપિત રામકૃષ્ણ મિશનના રાજકોટ સ્થિત સંકૂલ-મંદિરને માર્ચ 2027માં 100 વર્ષ થશે. આશ્રમે આ નિમિત્તે મોરારિબાપુની કથા માગી હતી. રાજકોટમાં ફૂલછાબની કથા અપાઈ ગઈ હોવાથી તે શક્ય નહોતું. બાપુએ જ સ્વામી નિખિલેશ્વરાનંદને કહ્યું કે ફૂલછાબને બાધ ન હોય તો આશ્રમ કથામાં જોડાઈ જાય. ફૂલછાબે પણ આવી પવિત્ર સંસ્થાને આવકારી. કથાનું આયોજન સંપૂર્ણપણે ફૂલછાબનું રહેશે અને આશ્રમ સહયોગ આપશે. ઠાકુરની નિશ્રામાં ફૂલછાબની રામકથા થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક