• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

આકાશી ‘મહેર’થી સૌરાષ્ટ્રમાં ખુશીની ‘લહેર’

ગોંડલ 3.5, જુનાગઢ-માણાવદર 3,  તાલાલા- સાવરકુંડલા-ડોળાસા- વંથલી- કેશોદ- ગિરનાર 2, કોટડા સાંગાણી- વિસાવદર-માંગરોળ-જામનગર 1 ઇંચ વરસાદ: તાલાલા પંથકમાં વીજળી પડવાથી પશુપાલકનું મૃત્યુ

કપાસ, મગફળી અને સોયાબીન જેવા ખરીફ પાકોને નવજીવન મળતાં ખેડૂતોમાં ખુશી

ગોંડલ અને કોટડા સાંગાણીમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ, ગોંડલનો આશાપુરા ડેમ છલકાયો

રાજકોટ તા.20: સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે રવિવારનો દિવસ રાહત અને ખુશીનો સંદેશ લઈને આવ્યો હતો. ગોંડલ, અમરેલી, સાવરકુંડલા, તાલાલા, માણાવદર, વીરપુર, કોટડા સાંગાણી સહિતના અનેક પંથકમાં બપોરથી સાંજ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ક્યાંક એકથી બે ઇંચ તો ક્યાંક ત્રણથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણીના વહેણ શરૂ થયા હતા અને નદી-નાળામાં નવા નીર આવ્યા હતા. ભારે ગરમી અને અસહ્ય બફારા બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ગઈ હતી. કપાસ, મગફળી, સોયાબીન સહિતના ખરીફ પાક માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે.

રાજકોટ શહેરમાં સાંજના 7 વાગ્યાથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો. જેના કારણે થોડી જ વારમાં  150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, મવડી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

ગોંડલ : ભારે બફારા અને ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એકસાથે ત્રણ ઇંચ જેટલું પાણી વરસી જતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ સૌથી મોટા અને રાહતના સમાચાર આશાપુરા ડેમ તરફથી મળ્યા હતા. વરસાદને પગલે ડેમમાં નવા નીરની જંગી આવક થઈ હતી. ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચી જતાં તેમાંથી પાણી ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું. છલકાયેલા ડેમનો ધસમસતો પ્રવાહ નયનરમ્ય દ્રશ્યો સર્જી રહ્યો હતો.

આ આહલાદક દ્રશ્ય જોવા માટે ગોંડલવાસીઓ મોટી સંખ્યામાં ડેમ સાઈટ પર ઉમટી પડ્યા હતા. ધોધમાર વરસાદને પગલે શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને ગોંડલના હાર્દસમા કોલેજ ચોક, જેલ ચોક, નાની-મોટી બજાર, ગુંદાળા દરવાજા અને માંડવી ચોક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના લાલપુલ અને ઉમવાડા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા બંને અંડરબ્રિજ ’સ્વામિંગ પૂલ’માં ફેરવાઈ ગયા હતા. દર ચોમાસે સર્જાતી આ સમસ્યાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઠેર-ઠેર જળભરાવ અને લોકોની મુશ્કેલી વધતા પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી માટે કામે લાગ્યું હતું. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ : સવારે સૂર્યનારાયણએ દર્શન દીધા હતા ત્યારે વરસાદે વિદાય લીધી હોય તેમ જણાતું હતું. પરંતુ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ત્રણેક વાગ્યાના સુમારે વીજળીના કડાકા ભડાકા વચ્ચે સુપડાધારે મેઘરાજાની મહેર ઉતરતા અડધી કલાકમાં પાણી પાણી થઈ ગયું હતું .જૂનાગઢમાં ત્રણ ઇંચ વરસાદ પડતા માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગિરનાર પર્વત વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે આત્મેશ્વર મંદિર નજીક વોંકળામાં પૂર આવતા 35 થી વધુ પ્રવાસીઓ પૂરના પાણીમાં ફસાતા રેસ્ક્યુ કરાયું હતું. જ્યારે માણાવદરમાં પણ ધોધમાર અઢી ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સારા વરસાદને કારણે ખેતરો પણ પાણીથી તરબતર થઈ ગયા હતા. જ્યારે વંથલી, કેશોદ અને ગિરનારમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. માંગરોળ અને વિસાવદરમાં એક એક ઇંચ પાણી પડ્યું હતું. આ વરસાદથી ખેતરોમાં લહેરાતી મોલાતો ફરી ખીલી ઉઠી છે. ધરતીપુત્રો સહિતના ચહેરા ઉપર ચમક આવી છે.

તાલાલા ગીર : પંથકમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ છેવાડાનાં વિસ્તારમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મુશળધાર વરસાદ વચ્ચે લોકોને ભયભીત કરી નાખે તેવી આકાશમાં વીજળી સાથે કડાકા ભડાકા શરૂ થયા હતા. થોડીવારમાં આ અવકાશી વીજળી વડાળા ગીર ગામની સીમમાં ગેબનશા પીરની દરગાહ પાસે પશુ ચરાવતા પશુપાલક ખેડૂત કેસરભાઈ ઈબ્રાહીમભાઇ સમા ઉ.વ.46 ઉપર પડતા તેમનું ઘટના સ્થળે મરણ થયું હતું. આ બનાવની જાણ થતાં ગામ લોકો બનાવના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ વડાળા ગીરના સરપંચ જુસબભાઈ મજગુલ તથા જાવંત્રી ગીર ગામના સરપંચ અલ્તાફભાઈ બ્લોચે 108 મારફત કેસરભાઈને તાલાલા લાવેલ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલ જાહેર કર્યા હતાં. શહેર સહિત પંથકના માધુપુર ગીર,આંકોલવાડી ગીર,ધાવા ગીર,બોરવાવ ગીર,મોરૂકા ગીર,ચિત્રાવડ ગીર,આંબળાશ ગીર અને ધણેજ વિસ્તારના અનેક ગામોમાં મુશળધાર એકથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

માણાવદર : બપોરના અઢી વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગરમી અને બફારા વચ્ચે આકાશ કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર ત્રણ ઇંચ પડેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં આ વરસાદથી આનંદની લહેર દોડી ગઈ છે.

અમરેલી : શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે રવિવારે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં અનેક પંથકોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બગસરા, લાઠી, લીલીયા, બાબરા, કુંકાવાવ, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાંથી વરસાદી પાણીના વહેણ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બગસરા પંથકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેવા લાગ્યું હતું. બીજી તરફ સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી હતી. ચિતલ તેમજ વડિયા તાલુકાના રામપુર-તોરી ગામમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. બાબરા પંથકના સુખપુર અને ખંભાળા ગામે વરસાદ પડ્યો હતો. રાજુલા તાલુકાના દાતરડી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે જાફરાબાદના બાબરકોટ સહિતના ગામોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. લાઠી શહેર અને દામનગર પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. કુંકાવાવ શહેરમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને બસસ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણડૂબ જેટલું વરસાદી પાણી ભરાતાં લોકો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીન સહિતના વિવિધ ખેતીપાકો માટે હાલનો વરસાદ ફાયદાકારક બની રહેવાની આશા ખેડૂતોમાં જાગી છે

સાવરકુંડલા : આજે બપોર બાદ ઘોબા, પીપરડી, મોટા ભમોદરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મોટા ભમોદરા ગામે મેલડી માતાના મંદિર પાસે વરસાદી પાણીના પ્રવાહને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ ભમોદરા વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસતા ખેતરોમાંથી પાણી છલકાઈ ગયા હતા. સાવરકુંડલા તાલુકામાં આજે બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામકંડોરણા : આજે બપોરબાદ વાતાવરણમાં પલટો આવતા સાંજના પાંચ વાગ્યાથી ધોધમાર વરસાદ શરુ થયો હતો અને એક કલાકમાં 20 મીમી વરસાદ ખાબક્યો હતો.

વીરપુર : બપોર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર વીરપુર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે ટૂંકા સમયગાળામાં જ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. બીજી તરફ, વીરપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે.

ડોળાસા : ડોળાસા ગામે આજે વધુ બે ઇંચ વરસાદ વરસ્યો હતો.  છેલ્લા અઠવાડિયામા કુલ પંદર ઇંચ વરસાદ થયો છે. મોસમ નો કુલ વરસાદ 855 મી.મી.( 34 ઇંચ ) થયો છે. ડોળાસા ની ચંદ્રભાગા નદીમા પાણીનો પ્રવાહ વધ્યો છે તો ખેતરો મા પાણી ભર્યા છે.

કોટડા સાંગાણી: આજે સવારથી જ ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીનું વાતાવરણ રહ્યું હતું, જેના કારણે નાગરિકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. જોકે, બપોરે 3થી 5:00 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં અંદાજે 30 મીમી (એક ઇંચ જેટલો) વરસાદ નોંધાયો હતો. આ ધોધમાર વરસાદના પગલે કોટડા સાંગાણીના મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

જામનગર : જિલ્લામાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં વરસાદી માહોલ વચ્ચે જોડિયા 12, ધ્રોલ 20, કાલાવડ 04, લાલપુર 14 મિલિમીટર વરસાદ નોંધાયો છે, અત્રે રાત્રે આઠ કલાકે જામનગરમાં ભારે પવન અને વીજળી વાદળો ના કળાકા ભડાકા વચ્ચે 25 મિનિટ ધોધમાર વરસાદ વરસી રહયો છે અને હજુ પણ ધીમી ધારે વરસી રહીયો છે, અચાનક આવી પડેલા વરસાદના કારણે વડાપ્રધાન મોદીના જન્મ દિવસ અનુસંધાને સાંસદ પૂનમ માડમ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પ્રસિદ્ધ ગાયક કલાકારોનો રાત્રે 9 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અચાનક પવન સાથે વરસી પડેલ વરસાદથી આયોજનમાં વિક્ષેપ પડયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક