પૃથ્વીના
અનેક હિસ્સામાં અમેરિકાની ટેન્ક અને રાઈફલ્સ ધણધણતી રહે છે. આકાશમાંથી પણ તેણે પ્રહારો
કર્યા છે, પરંતુ કોઈએ કલ્પના કરી હોય કે અમેરિકાએ અંતરિક્ષમાં પણ શત્રો રાખ્યાં છે.
અમેરિકન એરફોર્સ સેક્રેટરી ટ્રોય મેન્કે વોશિંગ્ટનમાં એક કોન્ફરન્સમાં સ્વીકાર્યું
છે કે યુ.એસ. સ્પેસના માધ્યમથી અંતરિક્ષમાં સૈન્ય તાકાત સ્થાપવાનું કામ ડોનાલ્ડ ટ્રમ્પના
વહીવટીતંત્રે કર્યું છે. દુનિયાના દેશો આનાથી ભડકે, ગુસ્સે થાય તે સ્વાભાવિક છે. ચીન
અને રશિયાએ તો આકરી પ્રતિક્રિયા પણ આપી છે. આ એવા સમાચાર અને એવો મુદ્દો છે કે વિશ્વશાંતિ,
અહિંસા જેવી વિભાવનાઓ ઠાલા શબ્દો જ ભાસે. અંતરિક્ષમાં યુદ્ધ એટલે શું? આ કેવી માનસિકતા?
અમેરિકી
સેન્યે જણાવ્યું છે કે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઓન ઓર્બિટ શત્રો તૈનાત કરાયાં છે જેનો
ઉપયોગ શત્રુ દેશોના હુમલા સામે અમેરિકી સેના અને ઉપગ્રહોનું રક્ષણ કરવા માટે થશે. શત્રુની
મિસાઈલો અંતરિક્ષમાંથી જ તોડી પાડવામાં આવે તે રીતે આ શત્રો બનશે. આ મિસાઈલ સુરક્ષા
પદ્ધતિને ટ્રમ્પે ગોલ્ડન ડોમ એવું નામ આપ્યું છે. ચીન અને રશિયા ઉપર એવો આરોપ અમેરિકાના
અંતરિક્ષ વિભાગે લગાવ્યો છે કે આ બન્ને દેશ અંતરિક્ષને યુદ્ધમાં બદલાવવાનો પ્રયાસ કરી
રહ્યા છે જેનો જવાબ આપવા અમે પણ આ ક્ષમતા વિકસાવી છે. આ કેવી રીતે શક્ય છે? ધરતી ઉપર
કે દરિયામાં તો સરહદો હોય, અવકાશમાં સીમારેખાઓ કેમ આંકવી?
‘આઉટર
સ્પેસ ટ્રીટી’ની રચના 1967માં થઈ હતી તે અનુસાર અંતરિક્ષમાં પરમાણુ હથિયાર રાખી શકાતા
નથી. પરંપરાગત આયુધો મૂકવા ઉપર કોઈ સ્પષ્ટ પ્રતિબંધ કે માર્ગદર્શન નથી અને અમેરિકાએ
સ્પષ્ટ કર્યું છે કે આ પરમાણુ હથિયાર નથી.
અન્ય દેશોને આ ગમ્યું નથી. અંતરિક્ષમાં યુદ્ધો બંધ કરવા અમેરિકાએ ચેતવણી આપીને
કહ્યું કે આઉટર સ્પેસને યુદ્ધનું મેદાન બનાવવા અમેરિકાના પ્રયાસ નિષ્ફળ બનાવવા માટે
અમારે પણ હથિયારનો ભંડાર વધારવો પડશે. રશિયા જો કે થોડું અલગ રીતે વર્તીને કહી રહ્યું
છે જે સાચું પણ છે, ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યું કે અંતરિક્ષ સંપૂર્ણપણે હથિયારોથી
મુક્ત હોવું જોઈએ. અમે અંતરિક્ષના બૈનસૈનિકીકરણ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે આશા
રાખીએ છીએ.
રશિયા-ચીન
બન્નેએ ચેતવણી આપી છે કે અમેરિકાના આ પગલાંથી અંતરિક્ષમાં ખતરનાક સ્પર્ધા શરૂ થશે.
અંતરિક્ષમાં શત્રોની વાત વિશ્વ માટે ચિંતાજનક તો છે જ. વિજ્ઞાને આપણને ધરતી અને સમુદ્રની
અંદર અનેક શોધ આપી. બ્રહ્માંડ આખું આપણને ખોળી આપ્યું અને ખોલી પણ આપ્યું. માનવ કલ્યાણ
માટે વિજ્ઞાનનો ભરપૂર ઉપયોગ થયો, થઈ રહ્યો છે. ઉદ્યોગ, શિક્ષણ, તબીબી વિજ્ઞાન, પ્રત્યાયન,
પરિવહન સહિતના તમામ ક્ષેત્રે વિજ્ઞાને વિશ્વને ગતિ આપી. અંતરિક્ષમાં પણ ઉપગ્રહો છોડીને
ત્યાં પણ માનવી પહોંચ્યો. હવે ત્યાં યુદ્ધની તૈયારી થઈ રહી છે. ધરતી ઉપરની લડાઈ હવે
અંતરિક્ષ સુધી પહોંચી છે. આ અટકે તો સારું.