• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

ખેલા ખતમ કે નવો દાવ ?

કૉંગ્રેસ સાથે ગઠબંધનનો તો સવાલ જ નથી, એવું કહેનારાં મમતાદીદીએ પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠક માટેની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને ટેકો જાહેર કર્યો છે, ત્યારથી સવાલ પૂછાવા લાગ્યો છે કે, મમતાનો પક્ષ કૉંગ્રેસમાં વિલિન થઈ જશે?મમતા બેનરજી લડાયક નેતા ગણાય છે, પણ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભવાનીપુર બેઠક પરથી પરાજય અને એ પછી તેમના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસમાં ઊભી તિરાડ બાદ તેઓ મોટા ભાગે હારી ગયેલી લડાઈ જ લડી રહ્યાં છે. એમાંય, આગામી પેટાચૂંટણીમાં નંદીગ્રામની તેમની ઉમેદવાર સંચિતા પ્રધાન ડે છેલ્લી ઘડીએ ખસી ગઈ અને રાજીનગરના કેન્ડિડેટ રબિઉલ આલમ ચૌધરીએ ઉમેદવારી પાછી ખેંચી લેવાની જાહેરાત બાદ ત્રણ જ કલાકમાં યુ-ટર્ન લીધો છે. જોકે, છેલ્લો ઝટકો મમતાદીદીને ચૂંટણીપંચ તરફથી લાગ્યો છે. પંચે તૃણમૂલનાં બે ફાડિયાં દ્વારા પક્ષનું નામ અને ચૂંટણીચિહ્ન વાપરવાની મનાઈ વચગાળાનો આદેશ બહાર પાડી કરી છે. પેટાચૂંટણી મમતા જૂથ મમતા અૉલ ઈન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ નામ સાથે તો વિદ્રોહી જૂથને ડેમોક્રેટિક તૃણમૂલ કૉંગ્રેસ નામ સાથે લડશે.તૃણમૂલનું મૂળ ચૂંટણીચિહ્નજોરા ઘાસ ફૂલ (ફૂલોની જોડી) ફ્રીઝ કરી નાખ્યું છે અને વિરોધી જૂથને ઍન્વલપ તો મમતાને ફૂટબૉલ રમતા માણસનું સિમ્બૉલ આપ્યું છે. મમતાનો હાથ ખેલા (ફૂટબૉલનો ખેલ) ખેલી રહેલા આચિહ્ને કારણે ઊંચો જણાય છે, પણ મમતાના વજન અને વજૂદની કસોટી થવાની છે.

છઠ્ઠી અૉક્ટોબરની પેટાચૂંટણી મમતાદીદી માટે તો અસ્તિત્વની લડાઈ છે, પણ ભાજપના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારી માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.ભવાનીપુર અને નંદીગ્રામ એમ બન્ને બેઠકો પરથી જીતનારા સુવેન્દુએ નંદીગ્રામ બેઠક ખાલી કરી છે. આ બેઠક પરથી તેમણે મમતાદીદીને બે વખત હરાવ્યાં છે. આ વખતે ભાજપે આ બેઠક પર હસિરાની રાથને ઉમેદવારી આપી છે, જે સુવેન્દુ અધિકારીના ભૂતપૂર્વ સહાયક ચંદરનાથ રાથની પત્ની છે. ગત છઠ્ઠી મેએ ચૂંટણી હિંસામાં ચંદરનાથની હત્યા થઈ હતી.મમતાદીદીની ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ સુવેન્દુ અધિકારીની મુલાકાત લેતા રાજકીય વાતાવરણ ડહોળાયું હતું. એ પછી મમતાએ કૉંગ્રેસના ઉમેદવારને આ બેઠક પર ટેકો જાહેર કર્યો પણ તેમની ધરપકડ પોલીસે 19 વર્ષ પહેલાંના એક કેસમાં કરી.મમતાની કસોટી તો રાજીનગર ખાતે પણ થઈ હતી.જોકે, ત્રણ જ કલાકમાં તેમના ઉમેદવારે ફેરવી તોળતાં નાક રહી ગયું છે.

રાહુલ ગાંધી તથા કૉંગ્રેસનું નેતૃત્વ ચૂંટણીપંચના હાલના નિર્ણય બાદ મમતાની પડખે ઊભું રહ્યું છે. રાજકીય નિરીક્ષકો છેક જૂન મહિનાથી કહી રહ્યા છે કે, મમતા પોતાના બચેલા વિધાનસભ્યો સાથે કૉંગ્રેસમાં ભળી જશે. જોકે, કૉંગ્રેસ અને તૃણમૂલ બન્ને આ વાત નકારતા આવ્યા છે.મમતાને વડાં પ્રધાનપદનાં અભરખાં હતાં, પણ અત્યારે તેમની પરિસ્થિતિ જોતાં હવે એ દૂરનું સ્વપ્ન થઈ ગયું છે. રાહુલ ગાંધીને 2029માં વડા પ્રધાન પદના દાવેદાર તરીકે કૉંગ્રેસ આગળ કરી રહ્યું છે, શું મમતાદીદી આ સ્વીકારશે?

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક