• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

‘આવતીકાલ’ની ચિંતા આજે

અનેક બાબતોમાં નવતર પહેલ કરીને દેશના બીજા રાજ્યો માટે ટ્રેન્ડ સેટ કરનારા ગુજરાતે બાળ સંરક્ષણ નીતિની જાહેરાત કરીને ઐતિહાસિક પગલું ભર્યું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે જાહેરનામું બહાર પાડયું છે જે મુજબ કોઇપણ બાળકની ઉપેક્ષા, દુર્વ્યવહાર, શોષણ, ભેદભાવના કિસ્સામાં ઝીરો ટોલરન્સ નીતિ રહેશે અને જવાબદારોએ આકરી સજાની જોગવાઇ સાથેની કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ડિજિટલ ક્રાંતિ અને એઆઇની આભા ચોમેર છવાયેલી છે, તેના પ્રભાવમાંથી બાળકોને મુક્ત રાખવાનો પડકાર છે. બચપણ શોષિત થવાના કેટલાય લપસણા રસ્તા ખૂલી ગયા છે અને જાણે-અજાણે કુમળું માનસ ધરાવતાં બાળકો તેમાં ધકેલાઇ જાય છે. બાળ આરોગ્ય પણ તાકીદે ધ્યાન દેવા યોગ્ય મુદ્દો છે. વિધાનસભામાં રજૂ થયેલા સત્તાવાર અહેવાલ મુજબ રાજ્યમાં 5.40 લાખથી 5.70 લાખ બાળકો કુપોષિત છે, જેમાંના 80 હજારથી વધુ બાળકો અતિગંભીર કુપોષિતની શ્રેણીમાં આવે છે. આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં આ મુશ્કેલી વધુ છે. ઓછી ઊંચાઇ, ઓછું વજન, લોહીની ઉણપ (એનિમિયા)નું ઊંચું પ્રમાણ ગંભીર ચિંતાનો વિષય છે. રાજ્યમાં બાળકો સામે વરસે સાડાચાર હજારથી પાંચ હજાર અપરાધ નોંધાય છે, જેમાં પોસ્કો હેઠળના કેસોનું પ્રમાણ બે-અઢી હજાર જેટલું છે. સરકારના અનેક પ્રયાસો છતાં બાળમજૂરીનો દર ઊંચો છે. બાળવિવાહનું દૂષણે હજુ મટી શક્યું નથી. શાળામાં ડ્રોપઆઉટ રેશિયો માધ્યમિક કક્ષાએ 12થી 15 ટકાએ પહોંચી જાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારની ચિંતા વાજબી છે, જેને દેશનું ભવિષ્ય કહેવામાં આવે છે એ બાળકોના અધિકાર, સ્વાભિમાનનું કોઇપણ હિસાબે રક્ષણ થવું જરૂરી છે.

ગુજરાત બાળસંરક્ષણ નીતિ 2026 અંતર્ગત સરકારી એજન્સીઓ, શાળાઓ ઉપરાંત બાળકો સાથે પ્રત્યક્ષ કામ કરતી સંસ્થાઓ, નાગરિક સમાજ, કોર્પોરેટ અને વેપારી ગૃહો, ઉદ્યોગો, મીડિયા સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ વગેરેને પણ આવરી લેવામાં આવી છે. નવી નીતિ સંયુક્ત રાષ્ટ્ર બાળ અધિકાર સંમેલન અને રાષ્ટ્રીય નીતિના સિદ્ધાંતો સાથે સુસંગત છે.

હકીકતમાં બાળ સંરક્ષણને સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી તરીકે જોવામાં આવ્યું છે. નિયમોના સ્પષ્ટીકરણથી બાળકોનું શ્રેષ્ઠ હિત જળવાશે. ધારણા મુજબના ઇચ્છિત પરિણામ મેળવવા માટે આ કાયદા અને નિયમો પ્રત્યે જનજાગૃતિ, શોષણ કે બીજી ફરિયાદ તંત્ર સુધી પહોંચે તે માટેની હિંમત, સજાગતા પર ઘણો મદાર રહેશે. સારી નીતિ કાગળ પર ન રહેવી જોઇએ, બલ્કે છેવાડાનાં ગામ અને પંચાયત સ્તરે અમલમાં મુકાય તો જ અર્થ સરે. પ્રત્યેક જિલ્લામાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટી અને સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ જેવા બાળ સુરક્ષા એકમો છે તેમાં સ્ટાફ અને સંસાધન પૂરતાં રહેવા જોઇએ. સંબંધિત તંત્રના સ્ટાફ સંવેદનશીલતાથી વર્તે એ માટે તેમની તાલીમ થવી જોઇએ.

બાળમજૂરી પકડવા માટે શ્રમ વિભાગ ઘણીવાર દરોડા પાડીને બાળકોને છોડાવે છે. થોડા દિવસમાં સ્થિતિ ‘જૈસે થે’ની થઇ જાય એ માટે એવાં બાળકોને પુનર્વસન, આર્થિક સહાય અને શિક્ષણ સાથે જોડવા અનિવાર્ય છે. બાળ શોષણના મોટાભાગના કિસ્સા પરિચિતો કે પરિવારના વર્તુળમાં બને છે તેથી માતા-પિતા અને વાલીઓ દ્વારા સંતાનોમાં ગૂડ ટચ, બેડ ટચની સમજણ કેળવવી જરૂરી છે. શાળાઓ પણ આ માટે રચનાત્મક ભૂમિકા ભજવી શકે.

એકંદરે સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ આવકાર્ય છે, પરંતુ બાળકોનું રક્ષણ માત્ર કાયદા અને પરિપત્રોથી શક્ય નથી. રાજ્ય, સમાજ, શાળાઓ અને પરિવાર વચ્ચે સુમેળભરી ભાગીદારી ઊભી થાય ત્યારે જ દરેક બાળક ભયમુક્ત બનીને પોતાનું બાળપણ માણી શકશે. કાયદાના કડક પાલન અને સમાજની સજાગતા - આ બંનેના સમન્વયથી જ સુરક્ષિત ગુજરાતનું નિર્માણ થઇ શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક