પેપર લીક પછી માઈલેજ લીકને મોટો મુદ્દો બનાવવાની દિશામાં હિલચાલ શરૂ થઈ છે. 16મી મેએ સોશિયલ મીડિયા મંચ પર શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટીએ શરૂ કરેલા આંદાલનને પગલે પચીસમી જુલાઈએ કેન્દ્રના શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું પડ્યું. હવે, ઈ20 જનતા પાર્ટી નામથી સોશિયલ મીડિયા પર ઍકાઉન્ટ ખૂલ્યાં છે અને તેના ત્રણેક લાખ ફૉલોઅર તો જોતજોતાંમાં થઈ ગયા છે. પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલના બ્લૅન્ડિંગનો વિરોધ તથા 100 ટકા મિશ્રણરહિત પેટ્રોલ ઓછા દરે મેળવવાની પસંદગી ગ્રાહકોને હોવી જોઈએ એવા મુદ્દા સાથે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના રાજીનામાની માગણી થવા લાગી છે. દિલ્હીના જંતરમંતર અને મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે યોજાયેલા આંદોલનોમાં નીતિન ગડકરીના રાજીનામાની માગણી કરતા સૂત્રોચ્ચાર અને બૅનર દેખાયાં હતાં, હવે અૉનલાઈન ચળવળ શરૂ થઈ છે. સીજેપીના અનુભવ પછી મોદી સરકાર આ નવા પક્ષને હળવાશથી નહીં જ લે. ઈ20 પેટ્રોલના ઉપયોગથી વાહનના માઈલેજમાં ઘટાડો નોંધાય છે તથા ઍન્જિનને નુકસાન પહોંચે છે એવા દાવા છેલ્લા થોડા સમયથી થઈ રહ્યા છે અને સરકારે આ દાવાઓનું ખંડન કર્યું હોવા છતાં આ પ્રચાર અટકી રહ્યો નથી. વળી, સોશિયલ મીડિયા પર એવો દુપ્રચાર પણ શરૂ થયો છે કે, નીતિન ગડકરીના પુત્ર સાથે સંકળાયેલી કંપનીને ઈ20ના બ્લૅન્ડિંગથી ફાયદો પહોંચે એ માટે આ નીતિ લાવવામાં આવી છે. ગડકરીએ આ દુપ્રચાર, ડીપફૅક અને આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સથી બનાવેલા વીડિયો દ્વારા થઈ રહેલી બદનામી બાબતે મેટા, ઍક્સ કૉર્પ તથા ગૂગલ એલએલસી જેવા ટેક જાયન્ટ્સ તથા અન્યો સામે ફોજદારી દાવો નોંધાવવાની માગેલી પરવાનગી બૉમ્બે હાઈ કોર્ટે બહાલ કરી છે.
લોકતાંત્રિક
રીતે દેશના નાગરિકોને પોતાની વાત મૂકવાનો અને સરકારની નીતિઓ-િનર્ણયોનો વિરોધ કરવાની
છૂટ છે. પણ વિરોધ પ્રદર્શન, આંદોલનો અને લોકજુવાળ ઊભો કરી તેની આડમાં દેશવિરોધી ઍજેન્ડા
ચલાવવાની છૂટ કોઈને પણ ન હોઈ શકે. હવે ઈ20ના નામે અરાજકતા ફરી ફેલાવવાનો કારસો રચાઈ
રહ્યો હોય એવું લાગે છે.માઈલેજમાં ઘટાડાની વાત સાચી હોય તો સરકારે સમયસર આ દિશામાં
પારદર્શકતા સાથે આગળ વધવું જોઈએ અને આ વાતમાં વજૂદ ન હોય તો એ વિશે પણ લોકોને માહિતગાર
કરવા જોઈએ. બ્રાઝિલ ઈથેનોલનો સ્વીકાર કરનારા શરૂઆતી દેશોમાંથી એક છે અને ત્યાં અનેક
દાયકાઓથી બ્લૅન્ડેડ પેટ્રોલ સાથે 100 ટકા પેટ્રોલ પણ ઉપલબ્ધ છે અને પસંદગીનો અધિકાર
નાગરિકોને છે.આથી, ફરજિયાતપણે ઈ20ના ઉપયોગના સરકારના આગ્રહ સામે વિરોધ છે.વળી, ગડકરી
ઈ20ને પ્રમોટ કરવામાં સૌથી આગળ છે, આથી દુપ્રચાર શરૂ થયો કે તેમના પુત્રની કંપનીને
આનાથી આર્થિક લાભ થાય એમ છે. ગડકરીએ સોશિયલ મીડિયા પર થઈ રહેલા આ દુપ્રચાર બાબતે અદાલતમાં
ધા નાખી છે. જોકે, હાલના અનુભવો પરથી સરકારે આ મોરચે ધીમી ધારે આગળ વધવાનો વિકલ્પ રાખવો
આવશ્યક છે.