• મંગળવાર, 30 એપ્રિલ, 2024

રાજકોટમાં રૂપાલાનો રણટંકાર

રાષ્ટ્રહિત માટે ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપે : રૂપાલા

રાજકોટ, તા.16 : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પુરુષોતમ રૂપાલાએ આજે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ક્ષત્રિય સમાજ વિષે કરેલી ટિપ્પણી બાદ રૂપાલાની ટિકીટને લઈને અનેક વાતો બહાર આવી રહી હતી. ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને ક્ષત્રિય સમાજની બેઠક પણ યોજાઈ હતી પરંતુ તમામ અટકળોના અંત સાથે આજે રૂપાલા ભાજપના કાર્યકરોના બહોળા કાફલા સાથે નામાંકનપત્ર ભરવા નિકળી ગયાં હતાં. જાગનાથ મંદિરથી બહુમાળી ભવન ચોક સુધી આયોજિત રેલીમાં રસ્તાઓ ઉપર ‘કેસરિયો’ છવાયો હતો. વાહનોની હારમાળા સર્જાઈ હતી.  રૂપાલાના સમર્થનમાં ભાજપના હજારો કાર્યકરો આ રેલીમા જોડાયાં હતાં.

રૂપાલાએ સૌપ્રથમ સવારે અત્રેના યાજ્ઞિક રોડ ઉપર આવેલા જાગનાથ મંદિર ખાતે શિશ ઝુકાવીને બહુમાળી ભવન ચોક સુધી રેલી યોજી હતી જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયાં હતાં. ‘રૂપાલા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ના સૂત્રોચ્ચારોથી રસ્તાઓ ગુંજી ઉઠયાં હતાં. વાહનોના કાફલાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયાં હતાં. આ કાફલો બહુમાળી ભવન ચોક પહોંચ્યો હતો જ્યાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો, કાર્યકરો, ઉદ્યોગપતિઓ, મહિલા મોર્ચો તેમજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં રૂપાલાએ એક વિશાળ જનસભાને પણ સંબોધી હતી.

રૂપાલાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, જાગનાથ મંદિરથી અહીં સુધી આયોજિત થયેલી વિશાળ રેલીમાં એક ઈંચની જગ્યા ન રહે તેટલી ભીડ એકત્ર થઈ જેના માટે હું ભાજપના તમામ કાર્યકરોનો આભાર માનું છું. ચૂંટણી ઢંઢેરામાં સમાવિષ્ટ 70 વર્ષથી વધુ વયના લોકોને આયુષ્માન કાર્ડ આપવા તેમજ કોમન સિવિલ કોર્ટના કાયદા માટે તેમણે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરવાની સાથોસાથ રાજકોટમાં ચૂંટણી પ્રચારના પ્રારંભથી લઈને આજે ફોર્મ ભરવા સુધીની તમામ વ્યવસ્થાને સુચારુ રીતે પાર પાડવો શહેર અને જિલ્લા ભાજપની ટીમને પણ તેઓએ અભિનંદન પાઠવ્યાં હતાં.

રૂપાલાએ ઉમેર્યુ હતું કે, દેશના દરેક ગામોમાં લાગૂ યોજનાઓના કામો 100 ટકા પૂર્ણ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે ત્યારે નાગરિકોએ પણ 100 ટકા મતદાન કરવાની મથામણ કરવી જોઈએ. સભામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોને તેમણે દરેક બૂથ ઉપર 100 ટકા મતદાન થાય તે માટે લોકોને જાગૃત કરવા વિનંતી કરી હતી. સાથોસાથ મંચ પરથી ક્ષત્રિય સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, મારી ક્ષત્રિય સમાજને વિનંતી છે કે, રાષ્ટ્રહિત માટે તેઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાવવામાં સહયોગ આપે.

સભામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મહેન્દ્રસિંહ સરવૈયા, મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા, ભાનુબેન બાબરિયા, લોકસભાના સભ્ય મોહનભાઈ કુંડારિયા, કેસરીસિંહ ઝાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્યો દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ, રમેશભાઈ ટીલાળા, દુર્લભજી દેથરિયા, કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, કંચનબેન રાદડિયા, મહેન્દ્ર પાડલિયા, જયેશ રાદડિયા ઉપરાંત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જયરાજસિંહ જાડેજા, સત્યકુમારસિંહ ખાચર (જસદણ સ્ટેટ) વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હજુ પણ ક્ષત્રિય સમાજનો રોષ રૂપાલા સામે શમ્યો નથી અને તાજેતરમાં રતનપર ખાતે રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ યોજાયું હતું જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો ઉમટયાં હતાં. આ વિવાદના સુંખાત માટે ગત રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને પણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી જો કે, તેનો કોઈ સકારાત્મક નિષ્કર્ષ આવ્યો ન હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક