• શુક્રવાર, 17 મે, 2024

માફી માગવાના બદલે ભાવનગરના સદ્ગત મહારાજાનો આભાર માનતા રાહુલ ગાંધી

પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની તરફેણમાં આયોજિત સભામાં ભાજપ ઉપર આકરા પ્રહારો

 

અમારી સરકાર આવશે તો દરેક પરિવારની મહિલાના ખાતામાં વર્ષે એક લાખ જમા કરીશું

 

અમદાવાદ, તા.29 : ગુજરાતમાં હવે ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. આ સાથે જ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પડઘમ ચાલી રહ્યો છે. જ્યારે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે દરેક પક્ષ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની તરફેણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરી હતી જેમાં અગાઉ રાજા-રજવાડાઓ ઉપર કરેલી ટિપ્પણી મુદ્દે માફી માંગવાના બદલે રાહુલ ગાંધીએ ભાવનગરના સદ્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, દેશને રાજ સમર્પિત કરનારા ભાવનગરના મહારાજાને યાદ કરું છું.

આજની સભામાં  રાહુલ ગાંધીનું તલવાર અને પાઘડીથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ તેમના ભાષણની શરૂઆત જય અંબાજી અને જય બહુચર માતાજીના નામથી કર્યું હતું. આ સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, અત્યારે દેશમાં બે વિચારધારની લડાઈ ચાલી રહી છે. ભાજપના કાર્યોથી સંવિધાન બચશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. ભાજપ સંવિધાનને ખતમ કરવા માંગે છે. અત્યાર સુધી જનતાને જે મળ્યું છે તે સંવિધાનને આભારી છે. કોંગ્રેસ દેશના સંવિધાનની રક્ષા કરવા માંગે છે.

રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર કરેલ વિવાદિત ટિપ્પણી બાદ તેઓ ક્ષત્રિયોના રોષનો સામનો કરી રહ્યા છે. આ ટિપ્પણીમાં રાહુલે માફી તો ન માંગી અને તેના બદલે મહારાજાનો આભાર વ્યક્ત કર્યો હતો. ગઈકાલે તેના પર ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહે પ્રતિક્રિયા આપી હતી. જેના કારણે રાહુલે આજે માફી માંગવાને બદલે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશને રાજ સમર્પિત કરનાર ભાવનગરના મહારાજાને યાદ કરું છું.

તેમણે કહ્યું કે, દેશમાં 90 ટકા લોકો જીએસટી ચૂકવે છે અને 22 લોકોના ખિસ્સામાં આ જીએસટી જાય છે. 24 કલાક કામ કરનાર ખેડૂતો પણ જીએસટી ચૂકવે છે. ભાજપ ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરે છે. પરંતુ તેમણે કોઈ ખેડૂતનું દેવું માફ કર્યું નથી. દેવું તો કોંગ્રેસે માફ કર્યું હતું. ભાજપે તો માત્ર દેશના 22 લોકોનું જ દેવું માફ કર્યું છે. તે લિસ્ટમાં કોના નામ હશે તે પણ તમે જાણો જ છો. ખેડૂતોને મળી રહેલો થોડો ફાયદો પણ ભાજપ અને મોદીજી બંધ કરવા માંગે છે.

રાહુલે અગ્નિવીર યોજનાને દેશના જવાનોનું અપમાન ગણાવી કહ્યું હતું કે, દેશના યુવાન જયારે સેનામાં જોડાય ત્યારે દેશ ભક્તિની ભાવનાથી જોડાય છે, પણ મને લાગે છે કે અગ્નિવીર યોજના દેશના જવાનોનું અપમાન છે. અમે આ સ્કીમને રદ કરીશું. કારણ કે આ સ્કીમ આર્મી તરફથી નહીં, મોદીની ઓફિસેથી આવી છે અને આનાથી દેશને નુકસાન થાય છે. સૌથી મોટા કોઈ મુદ્દાઓ હોય તો તે છે મોંઘવારી અને બેરોજગારી. પરંતુ આ મુદ્દાઓ તમને ક્યારેય પણ ટીવી પર જોવા નહીં મળે. મોદીજી અને બીજા સેલિબ્રિટી જ જોવા મળશે. દેશમાં ઉદ્યોગપતિઓનું દેવું માફ થઈ શકે છે તો ખેડુતોનું દેવું કેમ માફ ન થઈ શકે? અયોધ્યામાં રામ મંદિરને લઈ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે, શું રામ મંદિરની ઉજવણી વખતે કોઈ ગરીબો ત્યાં હાજર હતા ? રાષ્ટ્રપતિ આદિવાસી છે, રામમંદિરનું ઉદ્ઘાટન થયું, પાર્લામેન્ટનું ઉદ્ઘાટન થયું પણ રાષ્ટ્રપતિને અંદર પણ જવા ન દીધા કેમ કારણ કે તેઓ દલિત છે.

જો અમારી સરકાર આવી તો અમે મહાલક્ષ્મી યોજના લાવી રહ્યા છીએ જેમાં દેશની મહિલાઓને પુરુષો જેટલું જ સમાન વેતન મળે તેવું કરીશું. મહાલક્ષ્મી યોજનાથી મહિલાઓને આર્થિક મદદ કરીશું. દરેક પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક એક લાખ જમા કરીશુ. દરેક મહિલાના ખાતામાં 8500 જમા કરીશુ. ગરીબી રેખાની બહાર નહીં આવે ત્યાં સુધી મદદ મળતી રહેશે. આ સાથે જ અમારી યોજના “પહેલી નોકરી પક્કી’માં બેરોજગાર યુવાનને નોકરી મળશે. યુવાન એક વર્ષ સુધીની સરકાર પાસેથી નોકરીની ગેરેન્ટી માંગી શકશે. યુવાનોને એક વર્ષની ટોપઓફ વર્કની ટ્રાનિંગ આપીશુ.કરોડો યુવાનોને મહિને આઠ હજાર રૂપિયા અને ટ્રેનીંગ મળશે.

 

ક્ષત્રિયોનો વિરોધ

12 વ્યક્તિની અટકાયત

અમદાવાદ, તા.29 : પાટણના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જાહેર સભા યોજાય તે પહેલા રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ટી.બી. ત્રણ રસ્તા ખાતે કાળાવાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું જેના પગલે પોલીસે 12 લોકોની અટકાયત કરી હતી. દરમિયાન રાહુલ ગાંધી નિવેદન મામલે રાજપૂત સમાજ સંકલન સમિતિ પ્રવક્તા કરણાસિંહ ચાવડાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનને વખોડવામાં આવે છે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ રાજા મહારાજા વિશે વાતો કરે એ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. રાહુલ ગાંધી જેવા જવાબદાર વ્યક્તિ આવી વાત કરે એ યોગ્ય નથી. ક્ષત્રિય સમાજ દ્વારા માટિંગ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. રૂપાલા વિરુદ્ધ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક