• શુક્રવાર, 17 મે, 2024

મોડાસાના અમુલ કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટક્યા, 7 દુકાનોનાં તાળાં તૂટયાં

            તસ્કરો ટીવી, DVR પણ લેતા ગયા

મોડાસા, તા.29(ફૂલછાબ ન્યૂઝ): અરવલ્લી જિલ્લા સહિત મોડાસા શહેરમાં તસ્કર ટોળકીએ માજા મૂકી છે. સમયાંતરે મોડાસા શહેરમાં ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ અમૂલ કોમ્પલેક્સમાં ચોર ગેંગ ત્રાટકી 7 જેટલી દુકાનનાં તાળાં તોડી કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા ડીવીઆર અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એક સાથે સાત જેટલી દુકાનોનાં તાળાં તૂટતાં વેપારીઓ દોડી આવ્યા હતા. મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મોડાસા શહેરના માલપુર રોડ પર તાલુકા પંચાયત કચેરી નજીક આવેલ અમૂલ કોમ્પલેક્સમાં રવિવારે રાત્રિના સુમારે તસ્કરો ત્રાટકી ઉમા શરાફી મંડળી, ગ્રાફિક્સ, બ્યુટી પાર્લર, સ્પોર્ટ સેન્ટર સહિત સાત જેટલી દુકાનોનાં તાળાં તોડી ધમરોળી નાખી હતી. તસ્કરોએ ઓળખ ન થાય તે માટે ઉમા શરાફી મંડળી અને ગ્રાફિક્સની દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. સાત દુકાનમાં રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુ મળી એક લાખથી વધુની ચોરી કરી કોમ્પલેક્સ આગળ પડેલ બાઇકનું લોક તોડી રફુચક્કર થઈ ગયા હતા વેપારીઓ સોમવારે સવારે દુકાનોમાં પહોંચતા દુકાનોના શટર તૂટેલા જોતા ચોંકી ઉઠયા હતા. દુકાનોમાં ચોરી થતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોબ સ્થળ પર દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. અમૂલ કોમ્પલેક્સમાં સાત દુકાનોનાં તાળાં તૂટતાં લોકોનાં ટોળેટોળાં ઉમટયાં હતાં. શહેરમાં ધંધો-રોજગાર કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવાની માગ પ્રબળ બની છે.

ઇ-પેપરના નવા શુલ્ક