• મંગળવાર, 30 એપ્રિલ, 2024

બેલેટ પેપરથી મતદાનમાં શું થતું તે અમે જાણીએ છીએ : સુપ્રીમ

 ઈવીએમનાં મતો સાથે વીવીપેટની સ્લિમ મેળવવા અથવા તો મતદારને સ્લિપ આપી દેવાની માગણીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતનાં આકરા સવાલ

 

નવી દિલ્હી, તા.16 : ઈવીએમથી મતદાન દરમિયાન ખરાઈ માટે મતદારને વીવીપેટની સ્લિમ આપવાની માગણી કરતી અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, જ્યારે મતપત્રથી ગુપ્ત મતદાન થતું હતું ત્યારે પણ સમસ્યાઓ હતી. સુપ્રીમની ખંડપીઠનાં સદસ્ય સંજીવ ખન્નાએ કહ્યું હતું કે, અમે જિંદગીનાં છઠ્ઠા દાયકામાં છીએ અને બધુ જાણીએ છીએ કે બેલેટ પેપરથી મતદાનમાં શું સ્થિતિ થતી હતી. તમે ભૂલી ગયા હશો પણ અમને બધુ યાદ છે.

એડીઆર દ્વારા વીવીપેટની તમામ સ્લિમની પણ મતગણતરી કરવાની માગણી કરતી અરજી માટે પ્રશાંત ભૂષણે કોર્ટમાં દલીલો કરી હતી અને આમાં ભૂષણે જર્મની સહિતનાં અનેક યુરોપીય દેશોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આ તમામ દેશો હવે ઈવીએમ છોડીને ફરીથી મતપત્રથી મતદાનમાં પરત ફરી ગયા છે.

જેને પગલે જસ્ટિસ દીપાંકર દત્તાએ સવાલ કર્યો હતો કે, જર્મનીની આબાદી કેટલી? જેનાં જવાબમાં ભૂષણે કહ્યું કે, છ કરોડ. પછી જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, આપણાં દેશમાં તો આશરે પ0થી 60 કરોડ મતદાતા છે. આપણે ત્યાં નોંધાયેલા મતદારોનો આંકડો જ 97 કરોડ જેટલો છે. અમે બધા જાણીએ છીએ કે જે તે સમયે બેલેટ પેપરથી મતદાન થતું ત્યારે શું થતું હતું.

પ્રશાંત ભૂષણે અદાલત તરફથી બેલેટ પેપરથી મતદાન સામે સવાલ ઉઠાવવામાં આવતાં નવો તર્ક આપ્યો હતો. તેમણે કહ્યું કે, આપણે બેલેટ પેપર તરફ પાછા જઈ શકીએ છીએ. એક વિકલ્પ એ પણ છે કે, વીવીપેટની સ્લિમ મતદારોને આપી દેવામાં આવે. આજની આ દલીલ દરમિયાન અન્ય અધિવક્ત સંજય હેગડેએ કહ્યું હતું કે, ઈવીએમથી જે મત પડે છે તેને વીવીપેટની સ્લિપ સાથે મેળવવા જોઈએ. જેને પગલે કોર્ટે વળતો સવાલ કર્યો હતો કે તમારો કહેવાનો અર્થ એવો છે કે, 60 કરોડ વીવીપેટ સ્લિમ ગણવામાં આવે? જ્યારે માનવીય દખલ થાય ત્યારે સમસ્યાઓ વધી જાય છે. જો માનવી હસ્તક્ષેપ ન હોય તો મશીન આપણને એકદમ સટીક જવાબ આપી શકે છે. સમસ્યા શરૂ જ ત્યારે થાય છે જ્યારે માનવીય દખલ થાય છે. જો તમારી પાસે મશીન સાથે છેડછાડ રોકવા કોઈ સૂચન હોય તો કરી શકો છો.

 

ઇ-પેપરના નવા શુલ્ક