• મંગળવાર, 30 એપ્રિલ, 2024

છત્તીસગઢમાં કમાન્ડર સહિત 29 નકસલી ઠાર

- લોકસભા ચૂંટણી પહેલા નકસલ વિરોધી અભિયાન : કાંકેરના જંગલમાં ભીષણ અથડામણ, ભારે માત્રામાં હથિયારો મળ્યા : 3 જવાનને ઈજા

 

કાંકેર/રાયપુર તા.16 : લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢમાં એક મોટી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ર9 નકસલીને ઠાર માર્યા છે જેમાં ટોચનો કમાન્ડર રપ લાખનો ઈનામી શંકર રાવ પણ સામેલ છે. સ્થળ પરથી ભારે માત્રામાં રાયફલો, વિસ્ફોટક સહિત હથિયારો જપ્ત કરાયા છે.

દેશમાં 19 એપ્રિલથી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનો આરંભ થવાનો છે. જે પહેલા છત્તીસગઢના કાંકેરના જંગલમાં મંગળવારે બપોરે ર વાગ્યા આસપાસ સુરક્ષા દળો અને નકસલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કલાકો સુધી સામસામો ગોળીબાર થયો જેમાં 3 જવાન ઘવાયા હતા. અથડામણ લાંબી ચાલતા વધારાના દળો સ્થળ ઉપર મોકલાયા હતા. એસપી કલ્યાણ એલિસેલાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ર9 નકસલીના મૃતદેહ મળ્યા છે. જેમાં કમાન્ડર શંકર રાવ પણ ઠાર મરાયો છે. એન્કાઉન્ટર સ્થળેથી 7 એકે47 રાયફલ, એક ઈન્સાસ અને 3 એલએમજી મળી આવી છે. સમગ્ર ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. કાંકેર લોકસભા બેઠક પર ર6 એપ્રિલે મતદાન યોજાવાનું છે. 19 એપ્રિલે બસ્તરમાં ચૂંટણી યોજાશે.

લોકસભા ચૂંટણી પહેલા કાંકેરના જંગલમાં બીએસએફની ટીમ નકસલ વિરોધી અભિયાનમાં નિકળી હતી ત્યારે આ અથડામણ થઈ હતી. અચાનક નકસલીઓએ ગોળીબાર શરુ કરતાં બીએસએફના જવાનોએ જવાબી કાર્યવાહીમાં એક પછી એક નકસલીને ઢાળી દીધા હતા. એક જવાનને પગમાં ગોળી વાગી હતી જે ખતરાથી બહાર છે. અન્ય બે જવાનને પણ ઈજા પહોંચી હતી. છત્તીસગઢમાં 14 જિલ્લા નકસલ પ્રભાવિત છે જેમાં કાંકેર સામેલ છે. રાજયમાં નકસલીઓના હુમલામાં દર વર્ષે સરેરાશ 4પ જવાન શહીદ થાય છે. ગૃહ મંત્રાલયના રિપોર્ટ અનુસાર વર્ષ ર0રરમાં રાજયમાં 30પ નકસલી હુમલા થયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક