• રવિવાર, 28 એપ્રિલ, 2024

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 46 લાખથી વધુ મતદારો વધ્યા પણ 1174 મતદાન મથક ઘટયાં કચ્છમાં સૌથી વધુ  મતદાન મથકો ઘટયાં જ્યારે દાહોદમાં 6 મથક વધ્યાં

પ્રકાશ જહા, ગાંધીનગર

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 46 લાખ કરતાં વધુ મતદારો વધ્યા હોવા છતાં રાજ્યના મતદાન મથકોની સંખ્યામાં 1174 જેટલો ઘટાડો થવા પામ્યો છે. રાજ્યમાં અગાઉ 51,851 મતદાન મથકો હતા હવે તે 50,677 થયા છે.

રાજ્યમાં લોકસભાની ચૂંટણીની ક્વાયતના આરંભે જ મતદાન મથકોના પુન:ગઠનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારમાં 1500 મતદારોએ એક મતદાન મથક અને ગ્રામ્ય વિસ્તારમાં 1200 મતદારોએ એક મતદાન મથક રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બેથી 3 મહિનાની લાંબી ક્વાયત પંચના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા પછી જિલ્લા કક્ષાએથી મળેલી વિગતોના આધારે મતદાન મથકો આખરી કરવામાં આવ્યા હતા તેમજ તે અંગેના જાહેરનામાની પ્રસિદ્ધિ પણ રાજકીય પક્ષો સાથે રાખી કરવામાં આવી હતી.

રાજ્યમાં વધેલા મતદારોની સંખ્યા પમ ક માત્ર દાહોદ સંસદીય મતવિસ્તાર સિવાય તમામ મતદાર વિભાગોમાં મતદાનની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કચ્છ ક માત્ર સંસદીય મત વિસ્તાર એવો છે જ્યાં સૌથી ઓછા મતદાન મથકો ઘટયા છે. બાકીના 24 સંસદીય મતવિસ્તારોમાં 22થી 81 જેટલા મતદાન મથકોનો ઘટાડો નોંધાયો છે. સતત મતદારયાદી સુધારણાનું મોનીટરીંગ કરી રહેલ ચૂંટણી પંચના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે 110 મતદાન મથકો એવા છે જ્યાં મતદારો નિયત કરેલ સંખ્યા કરતાં વધી રહ્યા હોવાથી હાલ પૂરક મતદાન મથકો બનાવવાની કાર્યવાહી ચાલુ છે. આ અંગે જિલ્લાઓમાંથી દરખાસ્તો આવી ગઈ છે અને ટૂંકમાં જ પૂરક મતદાન મથકોને મંજૂરી આપવામાં આવશે.

2019ની ચૂંટણીમાં રાજ્યમાં મતદાન મથકોની સંખ્યા 51,851 હતી જે 2024માં ઘટીને 50,677 થઈ છે.

પંચના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે હાલ જે મતદાન મથકો છે તેમાં ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારમાં 17,202 મતદાન મથકો છે. આમ આ ચૂંટણીમાં પણ ગ્રામીણ મતદારોનો દબદબો તો યથાવત્ જ રહેશે તેમ ચૂંટણી ગણિતના નિષ્ણાંતો કહી રહ્યા છે.

પંચના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે શહેરી વિસ્તારમાં 6316 સ્થળો પર મતદાન મથકો આવેલા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 23,252 સ્થળો પર મતદાન મથકો આવેલા છે.

આ ચૂંટણીમાં પંચ દ્વારા રાજ્યના 25 હજાર જેટલા મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરી અને પંચ સીધી નજર રાખનાર છે. આ માટે જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે અને કેન્દ્રીય સ્તરે ખાસ કંટ્રોલરૂમ પમ કાર્યરત કરવામાં આવી રહ્યા છે.

મતદાન મથકોના પુન:ગઠન અને મતદાન મથકોની સંખ્યામાં થયેલા ઘટાડાને જોતાં આ વખતે મતદાન મથકો પર સતત મતદારોની લાઈનો જોવા મળશે. સવારે મતદાન પછી બપોરના ધીમું મતદાન અને સાંજે તેમાં વેગ આવે તેવું જોવા મળશે નહીં તેવી વાતો ચૂંટણી વિશ્લેશકોમાં થતી સાંભળવા મળી રહી છે.

મતદાર સ્લીપમાં આ વખતે મતદાર માર્ગદર્શિકા આપવામાં આવશે કે કેમ તેને લઈ હાલ પંચની કચેરીમાં કોઈ કશું બોલવા તૈયાર નથી પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં આ માર્ગદર્શિકા છપાય તે જરૂરી હોવાનો મત વિશ્લેષકો કરી રહ્યા છે. મતદાન મથકો પર જવા માટે 2 કિ.મી.થી વધુ અંતર મતદારે કાપવાનું રહેશે નહીં તેવો વિશ્વાસ પુન:ગઠન પછી પણ પંચના સૂત્રો કરી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક