• રવિવાર, 12 મે, 2024

સુરતમાં નોઈડાના બે યુવકને બંધક બનાવી ખંડણી વસૂલી

ભોગ બનનારના પિતાને ફોન કરી 2.5 લાખ ટ્રાન્સફર કરાવ્યા

સુરત, તા. 27 (ફૂલછાબ ન્યૂઝ) :  શહેરના પુણાગામ વિસ્તારમાં નોઈડાથી આવેલા સચિન તોમર અને લોકેશ નામના બે યુવકોને ગેરકાયદે ગોંધી પરિવાર પાસે ખંડણી માગવામાં આવી હતી. નાણાં નહીં આપે તો મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ કોલની વિગત નોઈડાના અંકિત નામના યુવકે બુધવારે બપોરે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં આપી હતી. જે પૈકી એક યુવક પોતાનો માસીનો પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું હતું.

અંકિતને જે નંબરથી ખંડણી માટે ફોન આવ્યો હતો. તે ફોન નંબરનું લોકેશન પુણા વિસ્તારમાં બતાવતું હોવાનું જણાવવામાં આવતાં પુણા પોલીસની ટીમે આ નંબરના લોકેશનને આધારે પુણાગામના સીતાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસે ચાર યુવકો કમલેશ ગુણવંત કલસરિયા, ઉમેશ વિનુ કાતરિયા, યોગેશ ઉર્ફે યોગારામ રામજી જીંજાળા અને વાલા ઉર્ફે લાલા મફતલાલ ભરવાડની ધરપકડ કરી હતી ત્યારબાદ થોડા પોલીસના એએસઆઈ ફરિયાદી બનીને ફરિયાદ નોંધી હતી. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે, આખું પ્રકરણ ઓનલાઈન ગેમમાં રૂપિયા જીતવાનો હતો. આ બન્ને યુવકો ઓનલાઈન ગેમમાં ખેલી તરીકે જાણીતા હોવાથી તેમને જીતવા માટે ત્રણેક દિવસ પહેલાં બોલાવવામાં આવ્યા હતા.

બન્નેનો પરિચય સોશિયલ મીડિયાના ગામિંગ ગ્રુપમાં થયો હતો. ગેમ રમવા માટે બે લાખ ભરવામાં આવ્યા હતા પરંતુ જે હાર-જીતના નાણા આ બને ટ્રાન્સફર નહીં કરતાં હોવાથી તેમને બંધક બનાવી તેના પિતાને ફોન કરી અઢી લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. તેથી પોલીસ પોતાને શોધી રહ્યાની જાણ થઈ જતાં બન્નેને મુક્ત કરી દીધા હતા. પોલીસે ચારની ધરપકડ તો કરી છે, પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોએ દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હોવાથી આ પ્રકરણ વિગત હજુ પણ અસ્પષ્ટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક