• શનિવાર, 11 મે, 2024

દેશને આતંકવાદ-નક્સલવાદથી મુક્તિ અપાવવા મોદીને ફરી વડાપ્રધાન બનાવો: અમિત શાહ

ભરૂચની ખંડોલીની સભામાં કહ્યું ‘મનસુખભાઈ વસાવા જેવો જનપ્રતિનિધિ આપને નહીં મળે: પંચમહાલની સભામાં વિપક્ષ ઉપર શાહનો આક્રમક પ્રહાર : કોંગ્રેસ પાર્ટી આવશે તો પર્સનલ લો ફરી શરૂ કરશે

 

ધોરાજી, જામકંડોરણા, વડોદરા તા. 27 :  દેશને આતંકવાદ, નક્સલવાદ અને ગરીબીમાંથી મુક્તિ અપાવવી હોય, તેમજ દેશની ઈકોનોમીને દુનિયામાં ત્રીજાક્રમે પહોચાડવી હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો, કારણ કે, છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સમગ્ર ભારત દેશનું નામ આજે દુનિયામાં ગુંજતું થયું છે, તેવું આજરોજ જામકંડોરણા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે વિશાળ જનસભાને સંબોધતાં જણાવ્યું હતું.

લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતની 26 બેઠકો માટે આગામી તા.7મેના રોજ ત્રીજા તબકકામાં મતદાન યોજાવાનું છે. મતદાનને હવે 10 દિવસ જ બાકી બચ્યાં છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ હવે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આજે જામકંડોરણા, ભરૂચ, પંચમહાલ અને વડોદરા સહિત 4 લોકસભા બેઠકો ઉપર જાહેર સભા સંબોધી ભાજપના પ્રચારની કમાન સંભાળી હતી.

જામકંડોરણા કુમાર છાત્રાલય પાસેના વિશાળ મેદાનમાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાના પ્રચાર અર્થે આજે સવારે અમિત શાહ આવી પહોચ્યાં હતાં. અત્રે આયોજિત વિજય સંકલ્પ સભામાં હજારો લોકોની મેદનીને સંબોધતા શાહે જણાવ્યું હતું કે, આજે સૌરાષ્ટ્રની અંદર પ્રથમ વખત ચૂંટણી પ્રચારમાં હું આવ્યો છું. 269 જેટલા પ્રવાસ બીજા રાઉન્ડમાં મેં પૂરા કર્યા છે. બીજા ચરણમાં હું બધા પ્રવાસ કરીને આપ સૌને હું ખાનગી વાત કરવા આવ્યો છું કે રાહુલ બાબાના સુપડા સાફ થઈ જવાના છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણમાં જ્યાં જાવું ત્યાં નરેન્દ્ર ભાઈ મોદી મોદી મોદીના નારા વાગી રહ્યા છે દેશમાં જોતા સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીનું મોજું ફરી રહ્યું છે.

શાહે ઉમેર્યું હતું કે, 2014માં 26 માંથી 26 અને 2019 માં પણ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો આપણે જીત્યા છીએ લોકસભામાં 2024માં આપણે સમગ્ર દેશમાં સુરતની સીટ બિનહરીફ થઈ ગઇ છે અને 25 સીટ માટે આપણે હવે વિજય થવાનો છે અને હેટ્રિક આપણે કરી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના ભારતના શાસનમાં સમગ્ર ભારત દેશ આજે દુનિયામાં નામ ગુંજતું થયું છે અને સમગ્ર ભારતનું નામ આજે વિશ્વની અંદર લોકો જોઈ રહ્યા છે.

કાશ્મીરની મુદ્દાની વાત કરતા જણાવ્યું હતું કે, 370 ની કલમ કોંગ્રેસના શાસનમાં આવી હતી અને 70 વર્ષના શાસનમાં પણ એ કલમ ગઈ ન હતી અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ લોકસભામાં 370 ની કલમ હટાવવાની વાત કરીને ત્યારે રાહુલ બાબાએ જણાવ્યું હતું કે તો 370ની કલમ હટાવવામાં આવશે તો દેશમાં લોહીની નદીઓ વહેશે. પરંતુ 5ાંચ ઓગસ્ટ 2019ના રોજ 370ની કલમ નરેન્દ્ર ભાઈ મોદીએ એક ઝટકામાં ઉડાડી દીધી, કાશ્મીરમાં લોહીની નદીઓ વહેવાની વાત તો દૂર પથ્થરના ઘા પણ નહોતા થયાં. 10 દિવસમાં મોદીએ સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.

શાહે ઉમેર્યું હતું કે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે દેશમાં અર્થતંત્રમાં 11 માં નંબર હતો આજે આપણે 11 માંથી પાંચમાં નંબરે પહોંચી ગયાં છીએ. નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવી દો આપણી ઈકોનોમી દુનિયાની ત્રીજા નંબરની ઈકોનોમી બની જશે. અયોધ્યા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 70 વર્ષથી કોંગ્રેસના વખતમાં રામ મંદિર નહોતું બની શક્યું. મોદી સરકારના શાસનમાં 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામનો ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. એ જ પ્રકારે કાશીમાં કોરિડોર મહાકાલ બદ્રીનાથ વિગેરે ભવ્ય મંદિરો બની ગયા છે અને હવે સોમનાથનું મંદિર પણ સોનાનો થઈ રહ્યું છે ટૂંક સમયમાં એનું કામ શરૂ થવાનું છે

સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને ચિંતા કરતા અમીત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં 80ના દાયકામાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાઓ હતી. ટ્રેન દ્વારા પાણી મંગાવુ પડતું હતું અને ટેન્કર દ્વારા લોકો પાણી મેળવતા હતા ત્યારે લોકો ખૂબ જ પાણીના પ્રશ્ન પરેશાન થયા હતા નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ટેન્કર રાજ બંધ થયું નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને ગુજરાતમાં પૂરું પાડયું અને કચ્છના છેવાડા સુધી નર્મદાનું પાણી આપણે પહોંચ્યું છે. ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી મળતી જે હવે 24 કલાક મળે છે.  કોંગ્રેસના વખતમાં પોરબંદરમાં કોંગ્રેસે જેલ બંધ કરાવી હતી ગુંડારાજ ચાલતું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે સૌરાષ્ટ્રને ગુજરાતની અંદર ગુંડાગીરી નાબૂદ કરી છે.આ પ્રસંગે અમિતભાઈએ સરદાર પટેલને યાદ કર્યા હતાં તેમજ સરકારની અન્ય યોજનાઓની પણ માહિતી આપી હતી.

આ પ્રસંગે 11-પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા, જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા, પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા, અરાવિંદભાઈ લાડાણી તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઇ દવે વિગેરેએ પ્રવચન કર્યા હતાં.

ભરૂચના ખડોલીમાં બપોરે 2 કલાકે આયોજિત વિજય સંકલ્પ સભાને સંબોધતા શાહે કોંગ્રેસ અને આપ પાર્ટીને આડે હાથ લીધી હતી અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ આદિવાસી વિરોધી હતી અને આપ પાર્ટી આદીવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરનારી પાર્ટી છે. યુનિફોર્મ સિવિલ કોડને લઈને જણાવ્યું હતું કે, યુસીસી આદીવાસી ભાઈઓના કાયદા પર લાગૂ નહીં પડે. સાથે મોદીની ગેરેન્ટી આપી હતી કે, મોદી આદિવાસી, દલિત અને ઓબીસીની અનામતને હાથ પણ લગાડશે નહીં અને લગાડવા દેશે પણ નહીં. શાહે મતદારોને કહ્યું હતું કે, મનસુખભાઈ વસાવા જેવો જનપ્રતિનિધિ આપને નહીં મળે, ગરબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આદિવાસી વિસ્તારને તહસનહસ કરી નાખશે.

પંચમહાલ જિલ્લાના ગોધરામાં છબનપુર ખાતે સાંજે 4-00 કલાકે આયોજિત જાહેર સભાને સંબોધતા શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી આવશે તો પર્સનલ લો ફરી શરૂ કરશે પણ વડાપ્રધાન આવશે તો કોઈ પર્સનલ લો નહીં હોય. સભામાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતાં.

 

શાહે વિઠ્ઠલ રાદડિયાને યાદ કર્યા..!

અમિતભાઈ શાહે જામકંડોરણાની ધરતી ઉપર તેમના પરમ મિત્ર એવા વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કર્યા હતાં અને જણાવ્યું હતું કે, લેઉવા પટેલ સમાજમાં હજારો બહેનોને ભણાવવાની વ્યવસ્થા કરી સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિનું સર્જન કર્યું એવા ખેડૂત પુત્ર વિઠ્ઠલભાઈ રાદડિયાને હું મારા મનથી શ્રદ્ધાંજલિ આપું છું. વિઠ્ઠલભાઈ માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો માટે લડયાં હતાં અને સહકારી ક્ષેત્રને તેઓએ એક નવી દિશા આપી હતી. તેઓએ ભારતીય જનતા પાર્ટીની આચારસંહિતાની ચિંતા નથી કરી ભારતીય જનતા પાર્ટીના તેઓ દિગજ નેતા ગણાતા હતા પરંતુ ખેડૂતો અને સહકારી ક્ષેત્ર માટે તેઓ હંમેશાં લડતાં હતાં. કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ અમિત શાહે જયેશ રાદડિયા સાથે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના પટેલ ચોક ખાતે આવેલા નિવાસ્થાન જઈને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી હતી અને બપોરનું ભોજન પણ તેમના નિવાસ્થાન લીધું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજ્યમાં 25 આંગડિયા પેઢી પર CID ક્રાઈમના દરોડા : 15 કરોડની રોકડ : સોનું કબજે 200 કરોડના હવાલા પડયાની શક્યતા May 11, Sat, 2024