• શનિવાર, 11 મે, 2024

ગોંડલમાં ફરી બાયોડીઝલના પમ્પ પર ગાંધીનગર પુરવઠા વિભાગના દરોડા

બે સ્થળે 5.68 લાખનો જથ્થો સીઝ કરીને તપાસનો ધમધમાટ

ગોંડલ, તા.27 : રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ ઉંઘતું ઝડપાયું હોય તેમ ગાંધીનગર પૂરવઠા વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા ગોંડલ શહેર અને તાલુકામાં આવેલા બાયોડીઝલના પંપમાં દરોડો પાડીને બાયોડીઝલનો જથ્થો અને મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ સાથે વધુ તપાસનો ધમધમાટ પણ ચાલુ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવાર મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ  ગાંધીનગર પુરવઠા વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા ગોંડલ જામવાડી જીઆઈડીસી વિસ્તાર પાસે આવેલી કનૈયા હોટલ પાછળ આવેલ ભરતભાઈ બકરાણિયાના બાયોડીઝલના પમ્પમાં દરોડો પાડીને આશરે 5 હજાર લિટર બાયોડીઝલ સીઝ કર્યું હતું. સાથે બે ટાંકી અને એક ડિસપેન્સર સીઝ કરવામાં આવ્યું હતું.

કુલ 3 લાખ 60 હજાર રૂપિયાનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો. ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામમાં પણ ગત 25 એપ્રિલની મોડી રાત્રે ખુલ્લા પ્લોટમાં સંજયગીરી ગોસ્વામીના બાયોડીઝલના પંપમાં પડેલો 1500 લિટર બાયોડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જેમાં 2 લાખ 8 હજારનો મુદ્દામાલ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક