• રવિવાર, 12 મે, 2024

ભાજપની ગૂગલને 102 કરોડની જાહેરાતો

પાંચ વર્ષમાં પબ્લિક પોલિટિકલ  જાહેરાતોમાં 73 ટકા બીજેપીની, સૌથી વધુ 10.8 કરોડ કર્ણાટક પાછળ ખર્ચ

 

નવી દિલ્હી, તા. 27 : ગૂગલ અને યુ-ટયુબ પર જાહેરાત માટે 100 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરનાર ભાજપ પ્રથમ ભારતીય રાજકીય પક્ષ બની ગયો છે. ગૂગલના એડવર્ટાઈઝિંગ ટ્રાન્સપરન્સી રિપોર્ટ અનુસાર 31 મે 2018થી 25 એપ્રિલ સુધી ભાજપે જાહેરાતો પર 102 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં પ્રકાશિત થયેલી ‘ગૂગલ’ જાહેરાતોમાં ભાજપનો હિસ્સો લગભગ 26 ટકા છે. આ સમયગાળા દરમિયાન 390 કરોડ રૂપિયાની રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કુલ 2.17 લાખ ઓનલાઈન જાહેરાતો આપવામાં આવી છે. તેમાંથી રાજકીય જાહેરાત શ્રેણી હેઠળ કુલ 1.61 લાખ જાહેરાતો (73 ટકા) ભાજપની હતી.

ભાજપે કર્ણાટકમાં સૌથી વધુ 10.8 કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે. આ પછી પાર્ટીએ ઉત્તરપ્રદેશ માટે 10.3 કરોડ રૂપિયા, રાજસ્થાન માટે 8.5 કરોડ રૂપિયા અને દિલ્હી માટે 7.6 કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે.

તે જ સમયે, લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં (19 એપ્રિલથી 25 એપ્રિલ સુધી) કોંગ્રેસે ભાજપ કરતાં વધુ ખર્ચ કર્યો છે. કોંગ્રેસે રૂા. 5.7 કરોડની જાહેરાતો પ્રકાશિત કરી છે, જ્યારે ભાજપે રૂા. 5.3 કરોડની જાહેરાતો પ્રકાશિત કરી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ 5992 ઓનલાઈન જાહેરાતો સાથે બીજા ક્રમે છે. પાર્ટીએ આ જાહેરાતો પાછળ 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જે ભાજપની જાહેરાતના માત્ર 3.7 ટકા છે.

તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકે ત્રીજાં સ્થાને છે. તેણે 2018થી ઓનલાઇન જાહેરાતો પર 42 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આમાં આ વર્ષે ફેબ્રુઆરીથી પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ પોપ્યુલસ એમ્પાવરમેન્ટ નેટવર્ક દ્વારા તેમના વતી ખર્ચવામાં આવેલા રૂા. 16.6 કરોડનો પણ સમાવેશ થાય છે.

તમિલનાડુની બહાર ડીએમકેએ કર્ણાટક અને કેરળમાં ડિજિટલ જાહેરાતો પર રૂા. 14 લાખ અને રૂા. 13 લાખ ખર્ચ્યા હતા. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીએ અલગ-અલગ પક્ષો માટે 11.2 કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે.

ઇ-પેપરના નવા શુલ્ક