• રવિવાર, 28 એપ્રિલ, 2024

14 નવા ચહેરા, 12 સાંસદ રિપીટ: ગુજરાતમાં ભાજપના ઉમેદવારો ફાઇનલ બે કેન્દ્રીય રાજ્ય મંત્રીઓનાં પત્તા કપાયાં, બે બેઠક પર ઉમેદવારો બદલાયા 

અમદાવાદ, તા.26 : લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ પક્ષ તેની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે પણ મતદાનની તારીખ 7 મે જાહેર થઈ છે. ચૂંટણીનો સમય નજીક આવી રહયો છે ત્યારે ભાજપે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. દરેક ચૂંટણીમાં કંઈક અલગ કરતી જોવા મળતી ભાજપે ગુજરાતમાં લોકસભામાં બહુ અલગ પ્રયોગ કર્યા નથી. આ વખતે પાર્ટીએ 14 નવા ચહેરાને સ્થાન આપ્યું છે જ્યારે 12 સાંસદને રિપીટ કર્યા છે. ભાજપે ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે બે ઓછી મહિલાને ટિકિટ આપી છે. ગત ચૂંટણીમાં છની સરખામણીમાં આ ચૂંટણીમાં ચાર મહિલા ઉમેદવાર ઉતારી છે તેમજ ગુજરાતનાં રાજકારણમાં પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ તેની બે બેઠક પરના ઉમેદવારો બદલવા પડયા છે. 

ભાજપે રિપીટ કરેલા 12 સાંસદમાં કચ્છ લોકસભા બેઠક પર વિનેદ ચાવડા, પાટણ બેઠક પર ભરતાસિંહ ડાભી, ગાંધીનગર બેઠક પર અમિત શાહ, અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ, જામનગર બેઠક પર પૂનમ માડમ, જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા, ભરૂચ બેઠક પર મનસુખ વસાવા, બારડોલી બેઠક પર પ્રભુ વસાવા અને નવસારી બેઠક પર સી. આર. પાટીલનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ અને પોરબંદર બેઠકો પર અનુક્રમે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે.   

ભાજપે ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે બે ઓછી મહિલાને ટિકિટ આપી છે. 2019ની ચૂંટણીમાં છની સરખામણીમાં આ ચૂંટણીમાં ચાર મહિલા ઉમેદવારો ઉતારી છે. જેમાં બનાસકાંઠા બેઠક પર ડો.રેખાબેન ચૌધરી, સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયા, ભાવનગર બેઠક પર નિમુબેન બાંભણિયા અને જામનગર બેઠક પર પૂનમ માડમને ટિકિટ આપવામાં આવી છે. ગત 2019માં મહેસાણાથી શારદાબેન પટેલ અને વડોદરાથી રંજનબેન ભટ્ટને લોકસભાની ટિકિટ ફાળવવામાં આવી હતી. આ બન્ને બેઠકો પર મહેસાણામાં હરિભાઇ પટેલ અને વડોદરામાં ડો.હેમાંગ જોષીને ટિકિટ ફાળવવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે, દરેક રાજકીય પક્ષ રાજકારણમાં 33 ટકા મહિલાઓની ભાગીદારીની વાત કરે છે ત્યારે ભાજપે માત્ર 20 ટકા મહિલાઓને જ લોકસભાની બેઠક પર ટિકિટ ફાળવી છે.  

મહત્ત્વનું છે કે, નરેન્દ્ર મોદી સરકારના બે કેન્દ્રીય રાજ્ય મંત્રીઓની ટિકિટો રદ કરવામાં આવી છે. પાર્ટીએ આ વખતે સુરતમાંથી દર્શનાબેન જરદોશ અને સુરેન્દ્રનગરમાંથી ડો.મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી નથી. પાર્ટીએ બન્ને કેન્દ્રીય મંત્રીઓના સ્થાને નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. સુરત ભાજપના મહામંત્રી મુકેશ દલાલને દર્શનાબેન જરદોશનાં સ્થાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે ડૉ.મહેન્દ્ર મુંજપરાનાં સ્થાને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરા ચૂંટણી લડશે. ચંદુભાઈ વર્ષ 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

ગુજરાતનાં રાજકારણમાં પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ તેની બે બેઠક પરના જાહેર કરાયેલા ઉમેદવારોનાં નામની સામે વિરોધ ઉભો થતા આ બન્ને ઉમેદવારે પાર્ટીના કહેવાથી ચૂંટણી લડવાની અનિચ્છા બતાવતા તેમની જગ્યાએ ફરીવાર કેન્દ્રીય ભાજપ ચૂંટણી કમિટીએ નવા નામ જાહેર કરવા પડયા હતા. જેમાં સાબરકાંઠા બેઠક પર ભીખુજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા તેમની બદલે ડો.રેખાબેન ચૌધરી તેમજ વડોદરામાં રંજનબેન ભટ્ટાના બદલે ડો.હેમાંગ જોષીનાં નામની જાહેરાત કરવી પડી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક