• શનિવાર, 13 એપ્રિલ, 2024

ગુજરાતની 26 બેઠક માટે ભાજપ દ્વારા ઓચિંતી સેન્સ પ્રક્રિયા શરૂ

દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ઉમેદવાર જાહેર થવાની શક્યતા : અનેક બેઠકો ઉપર

સાંસદોની કાર્યશૈલીથી નારાજ મોવડીમંડળ

‘નો રિપીટ’ થિયરી અપનાવે તેવી શક્યતા

અમદાવાદ,તા.26 : લોકસભા ચૂંટણી 2024ની તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી મુજબ આગામી બે અઠવાડિયામાં ભાજપ 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે તેવી શક્યતાઓ છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદીમાં વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, તે જાહેર થવાની શક્યતાઓ રહેલી છે.

બે દિવસ બાદ દિલ્હી ખાતે મળનારા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ભાજપના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી શકે છે.  ત્યારે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો અંત આવતાની સાથે જ ભાજપે ફરી કંઇક નવું કરતાં અચાનક જ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્યમાં ગત મોડી રાતે ભાજપના ગુજરાત એકમ દ્વારા એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેક શહેર અને જિલ્લાને બે દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચન કરાયું હતું. જેના પરિણામ સ્વરૂપ લોકસભા સીટ દીઠ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.  બે દિવસ ઉમેદવારો માટે ભાજપ સેન્સ લેશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે આજે અને આવતી કાલે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલશે. અચાનક અને ગુપચુપ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા છે. સેન્સની પ્રક્રિયા બાદ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડને યાદી મોકલાશે. આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે જેમાં લોકસભાદીઠ બેઠક માટે ઉમેદવારોની પસંદગી પર મંથન થશે અને તારીખ 29 મી એ દિલ્હીમાં મળનારી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક સીટોના નામ જાહેર થઈ શકે છે.

ભાજપ દ્વારા ગુજરાતની લોકસભાની 26 બેઠકો કબ્જે કરવા માટે કાર્યકરોને આહ્વાન કર્યું છે ત્યારે આ વખતે ભાજપ દ્વારા પાંચ લાખથી ઓછા માર્જિનથી બેઠકો જીતીને એક નવો રેકોર્ડ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તો બીજી તરફ ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય તો શરૂ કરી દીધા છે. પરંતુ કોને ટિકિટ આપવીએ બાબતે હજુ મોવડી મંડળ અસમંજસ સ્થિતિમાં છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોવડી મંડળ મોટા ભાગના સાંસદોને રિપીટ નહિ કરે તેવું અંદરો અંદર ચર્ચાએ જોર પકડયું છે.

દરમિયાન ભાજપના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2009, 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન સતત એક જ બઠક ઉપર જીત મેળવનારા ભાજપના સાસંદોની કાર્યશૈલીથી ભાજપના જ કાર્યકર્તાઓ નારાજ હોવાનું અને તેમની કામગીરી પણ લોકસભા દરમિયાન નહિવત રહેવા પામી હોવાનું બહાર આવ્યું છે. કેટલાક સાંસદો તો તેમના વિસ્તારાં આવતી વિધાનસભા બેઠકોના ધારાસભ્યો સાથે સંયોજન પણ નથી સાધી શક્યા.

ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ પૂર્વના લોકસભાના સાંસદ ડો.કિરીટ સોલંકીની સાસદમાં કાર્યશૈલી અવ્વલ નંબરે હતી પરંતુ તેમના  વિસ્તારમાં આવેલી વિધાનસભાના ધારાસભ્યો સાથે સંકલન સાધવામાં નિષ્ફળ રહ્યા છે. એટલું જ નહીં તેમની જગ્યાએ કોઇ યુવાન ભાજપના કાર્યકર્તાને  લોકસભાની સીટ ફાળવવાની માંગણી ઉઠી છે. એ જ રીતે અમદાવાદ પશ્ચિમમાં હસમુખ પટેલની કામગીરીથી નારાજ કાર્યકર્તાઓએ તેમને બદલાવની માંગણી કરી છે. સંભવત: ત્યાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપાસિંહ જાડેજાને લોકસભાની

ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા છે. મહેસાણા લોકસભા બેઠક પર શ્રીમતિ શારદાબેન પટેલે આ વખતે ચૂંટણી લડવાની ના પાડતા ભાજપના સંકટમોચન અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન  પટેલને લોકસભાની ટિકિટ ફાળવવામાં આવે તેવી માંગણી ઉભી થવા પામી છે.

એ જ રીતે ભરૂચની બેઠક પરથી સતત જીતતા આવતા મનસુખ વસાવાની કાર્ય કરવાની શૈલીથી નારાજ થયેલું મોવડી મંડળ આ વખતે ભરૂચ બેઠક પર લોકસભાના ઉમેદવાર બદલે તેવી સંભાવના રહેલી છે. વલસાડમાંથી સતત ચૂંટાતા ડો.કે.સી.પટેલની કામગીરી પણ નબળી રહેવાને કારણે વાપીના એક ઔદ્યોગિક એકમના માલિકને લોકસભાની ટિકિટ ફાળવવામાં આવે તેવી સંભાવના રહેલી છે.

છોટા ઉદેપુર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સાસંદ શ્રીમતી ગીતાબેન રાઠવાની કામગીરી પમ તેમના વિસ્તારમાં નબળી રહેલી છે. જૂનાગઢના લોકસભા સાસંદ રાજેશ ચૂડાસમા તાજેતરમાં એક ખ્યાતનામ ડોકટરના આપઘાત કેસમાં કથિત તેમની સામે આંગળી ચીંધાવાને લઇને તેમને પણ આ વખતે લોકસભાની બેઠક પરથી નહિ લડાવવામાં આવે તેવી શક્યતા છે.

બનાસકાંઠામાં આ વખતે કોંગ્રેસનું નેટવર્ક મજબૂત હોવાથી સતત ચૂટાતા પરબત પટેલની ઉંમર થવાની સાથે બનાસકાંઠામાં ભાજપમાંથી કોઇ લડાયક નેતા ચૂંટણી લડે તેવી ભાજપના કાર્યકર્તાઓની માંગ હોવાને લઇને આ વખતે પરબત પટેલને પમ લોકસભાની બેઠક પરથી ચૂંટણી ન લડાવે તેવી સંભાવના છે.

દરમિયાન રાજકોટ સંસદીય મત વિસ્તારમાં બે ટર્મથી ચૂંટાઈ રહેલા સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પણ આજે દાવેદારી માટે પહોંચ્યા હતા અને મોવડી મંડળ વધુ એક તક આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હવે કોઈપણ ભોગે કુંડારિયા રિપીટ ન થાય તે જોવા તૈયારી કરી રહ્યા છે. તેઓએ કડવા પાટીદારમાં અલ્પેશ ઢોલરીયા સહિતના વિકલ્પો નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીલિયાના કુતાણા ગામે પત્નીની કોદાળીનો ઘા ઝીંકી હત્યા કરતો પતિ પૈસાના મામલે બન્ને વચ્ચે ઝઘડો થતાં બોથર્ડ પદાર્થનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું April 13, Sat, 2024