રાજસ્થાનથી લગ્ન પતાવી ઘરે પહોંચે એ પહેલાં જ કાળ આંબી ગયો
અમદાવાદ,
તા.21 : અમદાવાદના રામોલ વિસ્તારમં રહેતો કુમાવત પરિવાર વતનમાં એક લગ્ન પ્રસંગ માણીને
નવી આશાઓ અને યાદો સાથે અમદાવાદ પરત ફરી રહ્યો હતો. દરમિયાન ઉનાવા હાઈવે પર આજે સવારે
સાત કલાકે તેમની ઈકો કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાતા કુલ પાંચ લોકોને કાળ ભરખી
ગયો છે.મૂળ રાજસ્થાનનો અને અમદાવાદમાં રહેતો પરિવાર રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી
આપીને ઇકો ગાડીમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે
ચાલકે સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા ચાર લોકોના
ઘટના સ્થળે અને એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. નજરે જોનારાઓના
જણાવ્યાનુસાર આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં
રામલાલ કુમાવત, કૈલાશભાઈ કુમાવત, કોમલબેન અને માસૂમ બાળક 4 વર્ષના આયુષ મદનલાલ કુમાવતે
ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે મંથરાદેવી નામના મહિલાનું મહેસાણા સિવિલ
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અન્ય પાંચ ઇજાગ્રસ્તોને સિવીલમાં
ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં નશ્રાભાઈ, જમનીદેવી, પકબીદેવી, રાકેશ, મમતાબેનનો
સમાવેશ થાય છે.