બિલ્ડરે મોં માગી રકમ અને મિલકતો આપી છતાં મહિલામિત્રની ડિમાન્ડ પૂરી ન થતાં આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું
સુરત,તા.21
: શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં ઉમરા પોલીસે એક્શન દાખવતા આજે
તેની એક મહિલામિત્રની ધરપકડ કરી છે. તુષાર ઘેલાણીએ દબાણમાં આવી આપઘાત કર્યાનું કારણ
બહાર આવ્યું છે. સમગ્ર કેસમાં મહિલાની ભૂમિકા શંકાસ્પદ હતી. પરિવારના આક્ષેપ બાદ પોલીસે
આત્મહત્યાની દુપ્રેરણાનો ગુનો નોંધી પૂનમ નામની મહિલામિત્ર ધરપકડ કરી છે.
પરિવારનો આક્ષેપ હતો કે, મહિલામિત્ર પૂનમ તુષાર ઘેલાણીને બ્લેકમેલ કરતી હતી. અત્યાર સુધી પૂનમે તુષાર ઘેલાણી પાસેથી દુકાનથી માંડી કેટલીક મિલકતો પચાવી લીધી છે. પૂનમથી છૂટકારો મેળવવા માટે તુષાર ઘેલાણીએ અત્યાર સુધી તેને મોં માગી રકમ અને મિલકતો આપી હતી. આમ છતાં મહિલામિત્રની ડિમાન્ડ પૂરી થઈ ન હતી. તુષાર ઘેલાણીનાં ઘરે દીકરીના લગ્નનો માંડવો બંધાઈ ગયો હતો ત્યારે આપઘાત કરી લેતાં શહેરમાં સનસનાટી વ્યાપી હતી. બિલ્ડર લોબીમાં સોંપો પડી ગયો હતો. આપઘાતના ચર્ચાસ્પદ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે અને પોલીસે ઊંડી તપાસ કરી મહિલા મિત્ર સામે આત્મહત્યાની દુપ્રેરણાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે