• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

AI સમિટમાં ભારતના વિઝન ઉપર 88 દેશની મહોર

સર્વજન હિતાય, સર્વજન સુખાય ઉપર વૈશ્વિક સહમતિ : અશ્વિની વૈષ્ણવે કરી ઘોષણા

નવી દિલ્હી, તા. 21 : ભારતની રાજધાની નવી દિલ્હીમાં આયોજીત ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026ને એક મોટી કુટનીતિક અને ટેકનિકલ સફળતા મળી છે. 88 દેશ અને આંતરરાષ્ટ્રીય સંગઠને શિખર સંમેલનના ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઘોષણા કરતા કહ્યું હતું કે દુનિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘માનવ કેન્દ્રિત એઆઈ દૃષ્ટિકોણ’ને સ્વીકાર કર્યો છે. આ કદમ વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નીકના સુરક્ષિત, સમાન અને જવાબદારીભર્યા વિકાસની દિશામાં સીમાચિહ્ન માનવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે કુલ 88 હસ્તાક્ષરકર્તા દેશમાંથી 86 દેશ અને બે આંતરરાષ્ટ્રીય સંગઠને ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સિદ્ધાંતનો ઔપચારિક રીતે સ્વીકાર કર્યો છે. આ વિઝનનું મુખ્ય લક્ષ્ય એઆઈ સંસાધનોનું એવી રીતે લોકતાંત્રિકરણ કરવાનું છે કે આ ટેક્નીક અને તેના આર્થિક ફાયદાની પહોંચ દુનિયાભરના સમાજના દરેક વર્ગ સુધી સુનિશ્ચિત થઈ શકે.

આ શિખર સંમેલન 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 2026 સુધી નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજીત કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ઘણા મોરચે વૈશ્વિક નીતિઓ નક્કી કરવાનો મજબૂત આધાર રખાયો છે. ગ્લોબલ સાઉથના નેતૃત્વમાં આયોજીત થનારુ આ પહેલું ગ્લોબલ એઆઈ સંમેલન હતું. આયોજનમાં દુનિયાભરના સરકારી નીતિ નિર્માતાઓ, એઆઈ ક્ષેત્રના ઉદ્યોગ વિશેષજ્ઞો, શિક્ષાવિદો, ટેકનોલોજી ઈનોવેટર્સ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક