• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

શિવાજી જયંતીએ તનાવ : ત્રણ રાજ્યમાં હિંસક ઘટના

કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં જુલૂસ ઉપર પથ્થરમારો અને હિંસાનાં બનાવ

નવી દિલ્હી, તા.20: શિવાજીની જયંતીએ જુલૂસ અને ધાર્મિક પ્રાર્થનાઓ દરમિયાન દેશનાં ત્રણ રાજ્યો-કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં કોમી તનાવનાં સમાચારો આવ્યા છે. આમાં થયેલી અથડામણોએ સ્થાનિક પ્રશાસનને તંગ સ્થિતિને કાબૂમાં લેવા માટે દોડતા કરી દીધા હતાં. જો કે આમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના હજી સુધી ઘટી નથી અને સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હોવાનું કહેવાય છે.

જબલપુરનાં સંવેદનશીલ સિહોરા તાલુકામાં ગુરુવારની રાતે હાલત તંગ બની ગઈ હતી. અહીં એક દુર્ગા મંદિરનાં પરિસરમાં તોડફોડ મચાવવામાં આવી હતી. આ વિવાદ ત્યારે છેડાયો હતો જ્યારે સાંજે મંદિરની આરતી અને નજીકમાં જ આવેલી એક મસ્જિદમાં નમાઝનો સમય હતો. એક યુવકે કથિત રીતે મંદિરની ગ્રિલ તોડી હતી અને પછી બે સમૂહો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જેમાં મામલો બીચકી જતાં હિંસા શરૂ થઈ હતી અને તેમાં પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો.

કર્ણાટકનાં બાગલકોટમાં શિવાજી જયંતીનાં જુલૂસ વખતે હિંસા ભડકી ગઈ હતી. જુલૂસ પંકા મસ્જિદની સામેથી પસાર થયું ત્યારે તેનાં ઉપર પથ્થરમારો થયો હોવાનું કહેવાય છે. જેમાં બાગલકોટ પોલીસ સ્ટેશનનાં એસપીને મામૂલી ઈજા પણ થઈ હતી. તેમણે કહ્યું હતું કે, મસ્જિદ તરફથી જ બે પથ્થર ફેંકવામાં આવ્યા હતાં.હૈદરાબાદનાં અંબરપેટ વિસ્તારમાં પણ શિવાજી જયંતીનાં જુલૂસ અને રમઝાનની બંદગી દરમિયાન હિંસક અથડામણ થઈ હતી જ્યારે એક મસ્જિદ પાસેથી જુલૂસ પસાર થઈ રહ્યું હતું ત્યારે ત્યાં હાજર લોકોએ તીવ્ર સંગીત અને નારાબાજી સામે વાંધો લીધો હતો અને તેમાંથી બોલાચાલી અને પછી મારામારી શરૂ થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક