• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

એઆઈ સમિટમાં વિરોધ : કોંગ્રેસ સામે ભાજપનું દેશવ્યાપી પ્રદર્શન

ઈન્દોરમાં થયો પથ્થરમારો : ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું, કોંગ્રેસ રાષ્ટ્રવિરોધી કૃત્યો કરે છે

નવી દિલ્હી, તા. 21 : નવી દિલ્હીમાં આયોજીત ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈને રાજનીતિક વિવાદ શરૂ થયો છે. આ મામલે ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ દેશવ્યાપી પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે.ઈન્દોરમાં શનિવારે ભારતીય જન યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય તરફ કુચી કરી હતી. દરમિયાન કોંગ્રેસ અને ભાજયુમોના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. બાદમાં પોલીસે ભીડને નિયંત્રણમાં લાવવા પાણીનો મારો કર્યો હતો. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ભાજપ કાર્યકરો દ્વારા યૂથ કોંગ્રેસની હરકતનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

ઈન્દોરમાં બન્ને દળ દ્વારા એકબીજા ઉપર પથ્થરમારાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ બનાવમાં બે પત્રકાર સહિત બે લોકોને ઈજા પહોંચી છે. જ્યારે સ્થળ ઉપર ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે કોંગ્રેસ નેતાઓને સૂચના મળી હતી કે ભાજપ યુવા જન મોરચાના કાર્યકરો કાર્યાલયનો ઘેરાવ કરવા આવી રહ્યા છે. જેનાથી કોંગ્રેસી કાર્યકરોએ પહેલા જ તૈયારી કરી લીધી હતી. તમામ કાર્યકરો, કોર્પોરેટરો અને નેતાઓને કાર્યાલયે પહોંચી જવા કહી દેવાયું હતું. આ દરમિયાન ભાજપ સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસ ઉપર નિશાન તાક્યું હતું. તિવારીએ કહ્યું હતું કે દેશની જનતા રાષ્ટ્રવિરોધી કૃત્ય માટે કોંગ્રેસને માફ કરશે નહીં. પૂરી દુનિયા ભારતની એઆઈ ક્ષમતાને સલામ કરી રહી છે અને તેવામાં એઆઈ સમિટને બદનામ કરવાની કોશિશ દેશવિરોધી પ્રવૃત્તિ છે. આ ઉપરાંત વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે, પીએમ મોદીનો વિરોધ કરતા કરતા કોંગ્રેસ દેશ વિરોધી પ્રદર્શન કરવાના સ્તરે પહોંચી ગયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક