• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

મોરબી : હત્યાનો પેરોલ જમ્પ આરોપી કલોલથી ઝડપાયો

મોરબી,તા.20 : મોરબી એલ.સી.બી.અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાની રજા પર મુક્ત થયા બાદ ફરાર થઈ ગયેલા એક કેદીને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેથી ઝડપી પાડીને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2018માં નોંધાયેલા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલો રાજકોટ જિલ્લા જેલનો પાકા કામનો કેદી શૈલેષ ઉર્ફે તીતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઈ ચાવડા ગત તા. 17/12/2025 ના રોજ 10 દિવસની વચગાળાની રજા પર જેલમાંથી મુક્ત થયો હતો. આ કેદીને રજા પૂર્ણ થતા તા.28/12/2025 ના રોજ પરત રાજકોટ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. આ પેરોલ જમ્પર આરોપી અંગે મોરબી એલ.સી.બી.ની ટીમને ખાનગી બાતમી (હ્યુમન સોર્સીસ) મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે તે કલોલ (જી. ગાંધીનગર) ખાતે તળાવ રોડ, એમ.કે. મોબાઈલ પાસે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે આજે તેને ત્યાંથી ડીટેઈન કરી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી તેને પરત રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક